મલેકપુર, નવ વર્ષની પૂર્ણતાએ કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓને જન જન સુધી પહોચાડવા ભાજપ દ્વારા વિશેષ જનસંપર્ક અભિયાન યોજાઇ રહ્યું છે. જેના ભાગરૂપે મહીસાગર જીલ્લામાં લુણાવાડા વિધાનસભાનું લાભાર્થી સંમેલન બ્રાઈટ સ્કુલ નવા કારવા ખાતે યોજાયું.
લાભાર્થીઓને સંબોધતા પૂર્વ ધારાસભ્ય જીગ્નેશ સેવકે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકાર તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં કાર્યરત રાજ્ય સરકાર અનેકવિધ રાષ્ટ્રહિત, લોકહિતના કામો સહિત દેશના તમામ લોકોની ચિંતા કરી અનેકવિધ યોજનાઓ જન જન સુધી પહોંચાડવાનું ભગીરથ કામ કરી રહી છે.
જીલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારીયાએ જણાવ્યું હતું કે, તારીખ 30મી મે થી તારીખ 30મી જૂન સુધી ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશેષ જન સંપર્ક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્ર સરકારના સેવા, સુશાસન, ગરીબ કલ્યાણના 9 વર્ષ પૂર્ણ થતા સરકારની સિદ્ધિઓ અને અસંખ્ય યોજનાઓના મળેલ લાભો અંગેની માહિતીઓ જન જન સુધી પહોંચાડવા માટે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજે લાભાર્થી સંમેલન યોજાઇ રહ્યું છે.
આ સંમેલનમાં પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડે સંબોધતા જણાવ્યું હતું કે, નવ વર્ષ બેમિસાલ 9 વર્ષની કામગીરીનું રિપોર્ટ કાર્ડ લઈને નરેન્દ્રભાઇ મોદીજીની સરકાર વિશેષ જનસંપર્કના માધ્યમથી જનતા વચ્ચે જઈ રહી છે. પીએમ ગતિશક્તિ, અટલ પેન્શન યોજના, જળ જીવન મિશન, પી.એમ. ગરીબ કલ્યાણ યોજના, પીએમ માતૃ વંદના યોજના, આયુષ્માન ભારત કાર્ડ જેવી અનેક યોજનાઓનો લાભ લોકોને મળી રહ્યો છે. આ સેવાકાળ દરમિયાન કાશ્મીરમાંથી 370 અને 35 એ કલમનું નિર્મૂલન, ત્રીપલ તલાક, સર્જીકલ સ્ટ્રાઈક એર સ્ટ્રાઈક, મેક ઇન ઇન્ડિયા, નિશુલ્ક રસીકરણ તેમજ રામ મંદિર નિર્માણ સહિત અનેક ઐતિહાસિક નિર્ણયો લેવાયા છે.
આ સંમેલનમાં જીલ્લા ભાજપ મહામંત્રીઓ રાવજીભાઈ, પ્રદીપસિંહ, પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ માલીવાડ, જીલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ડામોર, તાલુકા પંચાયત પ્રમુખ જયંતિકાબેન પટેલ, ખાનપુર તાલુકા પંચાયત પ્રમુખ ઉમેશભાઈ, કાર્યક્ર્મના ઇન્ચાર્જ પિનાકીન શુક્લ, લુણાવાડા નગર-તાલુકો, ખાનપુર તાલુકા મંડળ ભાજપ પ્રમુખો, હોદ્દેદારો કાર્યકરો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.