ભાજપના મંત્રીઓ સામે જ કવિ કુમાર વિશ્ર્વાસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે આરએસએસ અને ડાબેરીઓને અભણ કહ્યા

  • મધ્યપ્રદેશ ભાજપાના પ્રવક્તા રાજપાલ સિસોદિયાએ કહ્યું- શ્રીમાન કથા કરવા આવ્યા છો તો કથા કરો…સર્ટીફિકેટ આપવાની જરૂર નથી.

ઉજ્જૈન,

ઉજ્જૈનમાં રામકથા કરવા પહોંચેલાં કવિ કુમાર વિશ્ર્વાસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે આરએસએસ અને ડાબેરીઓને અભણ કહ્યા છે. કુમાર વિશ્ર્વાસે બજેટ અંગે વાત કરતી સમયે આ ટિપ્પણી કરી છે. તેમની વાત સાંભળીને સભામાં રહેલાં લોકો હસવા લાગ્યા અને તાળીઓનો ગડગડાટ શરૂ થઈ ગયો. આ દરમિયાન મધ્યપ્રદેશના મંત્રી મોહન યાદવ, સાંસદ અનિલ ફિરોઝિયા, વિધાયક પારસ જૈન સહિત મહાપૌર મુકેશ ટટવાલ હાજર હતાં.

ઉજ્જૈન યુનિવર્સિટીમાં વિક્રમોત્સવ કાર્યક્રમ હેઠળ ૨૧ થી ૨૩ ફેબ્રુઆરી સુધી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. મંગળવારે કથા સાંભળવવા પહોંચેલાં કુમાર વિશ્ર્વાસનો વીડિયો વાઇરલ થયા પછી મધ્યપ્રદેશ ભાજપાના પ્રવક્તા રાજપાલ સિસોદિયાએ કહ્યું- શ્રીમાન કથા કરવા આવ્યા છો તો કથા કરો…સર્ટીફિકેટ આપવાની જરૂર નથી. ૩-૪ વર્ષ જૂની વાત છે. બજેટ આવવાનું હતું. હું મારા ઘરે હતો, એક બાળકે મોબાઈલ ઓન કર્યો. તે બાળક અમારી સાથે કામ કરે છે. સંઘમાં કામ કરે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં કામ કરે છે. તેણે મને કહ્યું ભૈયા, બજેટ આવી રહ્યું છે, કેવું આવવું જોઈએ.

મેં કહ્યું તમે તો રામરાજ્યની સરકાર બનાવી છે તો રામરાજ્યવાળું બજેટ આવવું જોઈએ. તેણે કહ્યું રામરાજ્યમાં ક્યાં બજેટ હતું. મેં કહ્યું- સમસ્યા એ જ છે કે ડાબેરીઓ અને તમે અભણ છો. આ દેશમાં બે જ લોકોનો ઝઘડો ચાલી રહ્યો છે. એક ડાબેરીઓ જેઓ બધું જ ભણ્યા છે, પરંતુ ખોટું ભણ્યા છે અને એક જેઓ ક્યારેય ભણ્યા જ નથી.

ઉજ્જૈનના કાલિદાસ એકેડમી પરિસરમાં વિક્રમોત્સવ ઊજવવામાં આવી રહ્યો છે. કુમાર વિશ્ર્વાસ મંગળવારે તેમાં રામકથા સંભળાવવા પહોંચ્યાં હતાં.કુમાર વિશ્ર્વાસનું નિવેદન વાઇરલ થતાં જ બીજેપી પ્રદેશ પ્રવક્તા રાજપાલ સિસોદિયાએ પોતાના ટ્વિટર ઉપર કુમાર વિશ્ર્વાસને આડે હાથ લીધા અને કહ્યું કે તમારું સ્વાગત કરવા આવવું પડશે. કથા માટે બોલાવવામાં આવ્યા, તે છોડીને બાકી બધું કરશો. અધૂરા ભણેલાં તમારી જેવા લોકો કરતાં અમારા કથિત અભણ અનેકગણાં સારા છે.