
- કોંગ્રેસે ૯૧ વાર અપશબ્દો કહ્યા તે મોદી ને દેખાય છે, પરંતુ ભાજપ મારા વિશે અપશબ્દો બોલે છે તે કેમ નથી દેખાતું.
મુંબઇ,મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફરી એકવાર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે મારી અને મારા પરિવાર વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ પીએમ મોદી કેમ ચૂપ છે ? વાસ્તવમાં, ઉદ્ધવ પીએમ મોદીના ભાષણ પર પ્રહાર કરી રહ્યા હતા, જેમાં તેમણે કહ્યું હતું કે કોંગ્રેસે તેમની વિરુદ્ધ ૯૧ વખત અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. જે વાત ને લઈ ઉદ્ધવે વળતો પ્રહાર કર્યો છે.
મહારાષ્ટ્ર દિવસના અવસર પર એમવીએની એક રેલીમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે પીએમ મોદીએ કર્ણાટકમાં કહ્યું કે કોંગ્રેસે ૯૧ વખત તેમના માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો. પરંતુ મારો પીએમ મોદી માટે પણ એક પ્રશ્ર્ન છે. શા માટે ભાજપના લોકો મારી, આદિત્ય ઠાકરે અને મારા પરિવાર સાથે દરરોજ દુર્વ્યવહાર કરે છે? હું તેમને કહેવા માંગુ છું કે તમે પહેલા એ લોકોનું મોઢું કેમ બંધ નથી કરતા?
ઉદ્ધવે કહ્યું કે, હું ભારપૂર્વક કહેવા માંગુ છું કે સંજય રાઉત અને અમારા કાર્યકરો હજી પણ આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરતા નથી. ભાજપના લોકો કંઈ પણ કહે છે. જ્યારે હું કોંગ્રેસ અને એનસીપીમાં જાઉં છું ત્યારે તેઓ કહેવા લાગે છે કે મેં હિન્દુત્વ છોડી દીધું છે. તેથી હું તેમને પૂછવા માંગુ છું કે મોહન ભાગવતની મસ્જિદોની મુલાકાત અંગે તેમનો શું અભિપ્રાય છે.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તેઓ ૬ મેના રોજ રત્નાગીરી જિલ્લાના પ્રવાસે હશે. તમને જણાવી દઈએ કે જિલ્લામાં એક રિફાઈનરીનો પ્રસ્તાવ છે. ઉદ્ધવ તે સ્થળની પણ મુલાકાત લેશે જ્યાં રિફાઈનરી સ્થાપવાની છે. ઠાકરેએ કેન્દ્ર સરકાર પર તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરવાનો આરોપ મૂક્યો અને કહ્યું કે તેનો ઉપયોગ કરીને વિપક્ષી નેતાઓને બિનજરૂરી રીતે નિશાન બનાવવામાં આવી રહ્યા છે. સાથે જ તેમણે કટાક્ષ કરતા કહ્યું કે ગૌતમ અદાણીની જીવનચરિત્ર શાળાઓમાં ભણાવવી જોઈએ, જેથી દેશના લોકો સમજી શકે કે અમીર કેવી રીતે બનવું.