ભાજપના નેતા અને પૂર્વ સાંસદ પ્રદેશ અધ્યક્ષ પ્રભાત ઝાનું નિધન થયું

મયપ્રદેશ ભાજપના પૂર્વ અધ્યક્ષ અને રાજ્યસભાના પૂર્વ સાંસદ પ્રભાત ઝાનું ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં નિધન થયું છે.પ્રભાત ઝાએ પોતાના કરિયરની શરૂઆત ગ્વાલિયરના સ્વદેશ અખબારમાં પત્રકારત્વથી કરી હતી. પ્રભાત ઝા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. પરંતુ બાદમાં તેઓ લાંબા સમય સુધી પાર્ટીમાંથી દૂર રહ્યા. ગયા મહિને ૨૯ જૂને પ્રભાત ઝાને ગુરુગ્રામ સ્થિત મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે તેમની તબિયત બગડી ત્યારે તેમને એરલિટ કરીને ભોપાલથી ગુરુગ્રામ લઈ જવામાં આવ્યા હતા.

તેમના નિધન પર અનેક નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. પૂર્વ સીએમ અને કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે લખ્યું, ’ભાજપના વરિષ્ઠ નેતા, મધ્યપ્રદેશ બીજેપીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ, મિત્ર શ્રી પ્રભાત ઝાના નિધનના સમાચાર સાંભળીને હું આઘાત અને દુ:ખી છું. તેમણે હંમેશા લોક કલ્યાણ અને લોકહિત માટે કામ કર્યું. તેમનું નિધન મારા માટે એક અંગત ખોટ છે, હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તેઓ દિવંગતના આત્માને શાંતિ આપે અને પરિવારને આ તકલીફ સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ!’

મધ્ય પ્રદેશ બીજેપી અધ્યક્ષ વીડી શર્માએ ટ્વિટર પર લખ્યું, ’ભાજપના વરિષ્ઠ નેતા, મધ્યપ્રદેશ ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ, આદરણીય શ્રી પ્રભાત ઝાના નિધનના ખૂબ જ દુ:ખદ સમાચાર મળ્યા. ભગવાન દિવંગત આત્માને તેમના ચરણોમાં શાંતિ અર્પે અને શોકગ્રસ્ત પરિવારને આ ભયંકર નુક્સાન સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ!’

મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ ટ્વિટર પર લખ્યું, ’મારા મિત્ર, પ્રભાત ઝા જી, મધ્યપ્રદેશ ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ, પૂર્વ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, વરિષ્ઠ નેતા જેઓ ત્રણ વખત રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે અને તેમના સિદ્ધાંતો માટે લડ્યા છે, તેમના નિધનના સમાચાર અત્યંત હદયસ્પર્શી છે. તેમનું નિધન મારા માટે અંગત ખોટ છે. દુ:ખની આ ઘડીમાં ઈશ્ર્વર દિવંગત આત્માને શાંતિ આપે અને પરિવારને શક્તિ આપે. ઓમ શાંતિ.’બે વખત રાજ્યસભાના સાંસદ પ્રભાત ઝાની ગણના ચંબલ-ગ્વાલિયર ક્ષેત્રના અગ્રણી નેતાઓમાં થતી હતી.

લાંબા સમય સુધી પત્રકાર રહી ચુકેલા પ્રભાત ઝા ભાજપના મુખપત્ર ’કમલ સંદેશ’ના સંપાદક હતા. તેઓ પત્રકારત્વ દ્વારા જ રાજકારણમાં આવ્યા હતા. પ્રભાત ઝા, મૂળ બિહારના, ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ હોવા ઉપરાંત, મય પ્રદેશ ભાજપના અધ્યક્ષ પણ હતા. આ સિવાય તેઓ ત્રણ વખત રાજ્યસભામાં પણ ચૂંટાયા હતા.