
રાજયમાં છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હાર્ટએટકના કિસ્સા વધી રહ્યાં છે. ત્યારે આવા વિકટ સમયે જો વ્યક્તિને સીપીઆર ટ્રેનિંગ આપવામાં આવે તો તેનો જીવ બચી શકે છે. આજ હેતુથી ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર રાજ્યમાં ભાજપના કાર્યકરો માટે સીપીઆર ટ્રેનિંગનું આયોજન કર્યું છે. અમદાવાદમાં બીજે મેડિકલ કોલેજમાં એક તાલિમ શિબિરમાં મુખ્યપ્રધાન ઉપસ્થિત રહ્યા હતા, અને તેમણે સીપીઆર વિષે માહિતી મેળવી લોકોને જાગૃત કર્યા હતા. રાજ્યની ૩૮ મેડિકલ કોલેજમાં ભાજપના કાર્યર્ક્તાઓને એક સાથે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. જેમાં ૧૨૦૦ ડોક્ટર જોડાયા છે. જોઇએ આ જીવન રક્ષક સીપીઆર શું છે.

સૌથી પહેલા દર્દીને જમીન પર સુવડાવી તેની નાડી તપાસો. જો પલ્સ સતત ઘટે, વ્યક્તિ બેભાન થાય તો તરત જ સીપીઆર આપો. સીપીઆર આપવા માટે તમારા હાથને લોક કરો. બંને હાથને એકબીજા પર રાખો, આંગળીઓને એકબીજા સાથે જોડી દો. તમારો હાથ દર્દીની છાતીની મધ્યમાં રાખો અને છાતીને કંપ્રેસ કરો. કંપ્રેસ ઝડપથી કરવું જોઈએ, એક મિનિટમાં લગભગ ૧૦૦ વખત છાતીને દબાવવી પડે. દર્દી શ્ર્વાસ ન લઈ શકે ત્યાં સુધી કંપ્રેસ કરવાનું ચાલુ રાખો. દરમિયાન મોંથી મોં વચ્ચે શ્ર્વાસ આપવાનો પ્રયાસ કરો.સીપીઆર હૃદયમાં લોહીનો પ્રવાહ વધારશે, જે દર્દીનો જીવ બચાવી શકે છે. સીપીઆર આપતી વખતે એમ્બ્યુલન્સ બોલાવો અને દર્દીને હોસ્પિટલમાં મોકલો.
ઇમરજન્સી મેડિકલ ડે’ નિમિત્તે અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજ ખાતે ભારતીય જનતા પાર્ટી કર્ણાવતી મહાનગર દ્વારા ‘કાર્યર્ક્તા CPR ટ્રેનિંગ અભિયાન’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, આપણે સૌએ તાજેતરમાં અનેક એવા કિસ્સાઓ જોયા છે કે કોવિડની મહામારી બાદ નાની વયે હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. સમાન્ય રીતે હાર્ટ એટેકના કિસ્સામાં ૧૦ થી ૨૦ મિનિટના ‘ગોલ્ડન ઓવર’માં જો દર્દીને પ્રાથમિક સારવાર મળી રહે તો તેનો જીવ બચી શકે છે. ત્યારે આ અંગેની જાગૃતિ લાવવા માટે રાજ્ય સરકાર, ભારતીય જનતા પાર્ટી તેમજ ડોક્ટર સેલ દ્વારા ‘કાર્યર્ક્તા CPR ટ્રેનિંગ અભિયાન’નું આયોજન કરવામાં આવ્યું છે.