ભાજપના બે સાંસદ તૃણમૂલના સંપર્કમાં છે,ટીએમસી નેતા કુણાલ ઘોષ

લોક્સભા ચૂંટણી ૨૦૨૪ના પરિણામ સ્વરૂપે, ભારતીય જનતા પાર્ટી બહુમતીથી દૂર રહી અને તેને ગઠબંધન સરકાર બનાવવી પડી. પશ્ર્ચિમ બંગાળમાં પણ પાર્ટીને છેલ્લી ચૂંટણી કરતાં ઓછી બેઠકો મળી છે. રાજ્યમાં ભાજપના ૧૨ સાંસદો ચૂંટાયા છે. જો કે તૃણમૂલ કોંગ્રેસના દાવાથી ભાજપની ટેન્શન વધી ગઈ છે.ટીએમસીના વરિષ્ઠ નેતા કુણાલ ઘોષે ગુરુવારે દાવો કર્યો હતો કે પશ્ર્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના બે સાંસદો તૃણમૂલ સાથે જોડાવા જઈ રહ્યા છે. ચાલો જાણીએ આખો મામલો.

તૃણમૂલ કોંગ્રેસના નેતા કુણાલ ઘોષે દાવો કર્યો છે કે રાજ્યમાં ભાજપના બે સાંસદો ૨૧ જુલાઈએ તૃણમૂલ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. આ દિવસે આયોજિત શહીદ દિવસની ઉજવણી દરમિયાન સાંસદોએ તૃણમૂલ કોંગ્રેસમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી છે. કુણાલ ઘોષે કહ્યું છે કે ટીએમસીના વડા મમતા બેનર્જી અને રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી સંપૂર્ણ વિચારણા કર્યા બાદ અંતિમ નિર્ણય લેશે.

તૃણમૂલના નેતા કુણાલ ઘોષે દાવો કર્યો છે કે તાજેતરમાં પૂર્ણ થયેલી લોક્સભા ચૂંટણી ૨૦૨૪માં પશ્ર્ચિમ બંગાળમાં ભાજપના ૧૨ સાંસદો ચૂંટાયા છે. આમાંથી બે સાંસદો તૃણમૂલના સંપર્કમાં છે. ઘોષે દાવો કર્યો છે કે સાંસદોએ સંપર્ક કર્યો છે અને ટીએમસીમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી છે અને મમતા બેનર્જીના નેતૃત્વમાં કામ કરવા માંગે છે. આ બંને સાંસદો ૨૧ જુલાઈએ ભાજપ છોડી શકે છે.

સાંસદોની ઓળખ વિશે વાત કરતા કુણાલ ઘોષે દાવો કર્યો છે કે આ સાંસદોની ઓળખ અત્યારે જાહેર કરી શકાય તેમ નથી. સાંસદો તાજેતરમાં ચૂંટાયા છે, તેથી તેઓને પક્ષપલટા વિરોધી કાયદાના દાયરામાં ન આવવા માટે થોડો સમય રાહ જોવાની સલાહ આપવામાં આવી છે. કુણાલ ઘોષે કહ્યું કે આ મામલે અંતિમ નિર્ણય મમતા બેનર્જી અને અભિષેક બેનર્જી જ લેશે.

કુણાલ ઘોષના દાવા પર બીજેપીનું નિવેદન પણ સામે આવ્યું છે. પશ્ર્ચિમ બંગાળ બીજેપીના અયક્ષ અને કેન્દ્રીય મંત્રી સુકાંત મજુમદારે કહ્યું કે કુણાલ ઘોષ વારંવાર એવા નિવેદનો આપે છે જેને ગંભીરતાથી લેવો જોઈએ નહીં. ચાલો ૨૧મી જુલાઈ સુધી રાહ જોઈએ. મજમુદારે કહ્યું કે અમે પહેલા પણ આવા દાવા જોયા છે.