ગાંધીનગર, લોક્સભાની ચૂંટણી નજીક આવી ગઈ છે અને તમામ પક્ષોના નેતાઓ અને જાહેર કરેલા ઉમેદવારો તડામાર ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, ત્યારે આ દરમિયાન પક્ષ પલટાની કામગીરી પણ ધમધોકાટ જોવા મળી રહી છે. ગુજરાતમાં પણ ભાજપમાં ભરતી મેળો પૂરબહારમાં ચાલી રહ્યો છે અને એક પછી એક નેતાઓ કેસરીયો ધારણ કરી રહ્યા છે, ત્યારે રાજ્યના બે દિગ્ગજ નેતાઓએ કેસરીયો ધારણ કરતા ચૂંટણી ટાણે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે.
મળતા અહેવાલો મુજબ ભાજપના પૂર્વ પ્રવક્તા કિશનસિંહ સોલંકીએ ફરી ઘરવાપસી કરી ભાજપમાં પુન: પ્રવેશ કર્યો છે. જ્યારે પૂર્વ સાંસદ સોમાભાઈ ગાંડાલાલ પટેલે પણ ફરી ભાજપનો કેસરીયો ધારણ કર્યો છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં આજે ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આ બંને નેતાઓએ કેસરીયો ધારણ કર્યો છે.
સોમા ગાંડા પટેલે ભાજપનો કેસરીયો ધારણ કર્યા બાદ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, ‘કોંગ્રેસ પતિ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોયામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું કોંગ્રેસને આમંત્રણ આપ્યું હતું, છતાં પાર્ટી ત્યાં ગઈ નહીં, ત્યારે આવી પાર્ટીમાં રહીને કરવાનું શું… કોંગ્રેસ રામ વિરોધી છે.’ સોમા પટેલ અગાઉ અપક્ષ ચૂંટણી લડી ચૂકેલા છે. તેઓ છેલ્લે કોંગ્રેસમાં હતા અને તેમને પક્ષમાંથી દુર કરાયા હતા. તાજેતરમાં જ સોમાભાઈ પટેલે કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. તેમણે આ માટે અંગત કારણોસર પક્ષમાંથી રાજીનામું આપ્યું હોવાનું કારણ આપ્યું હતું. ઉલ્લેખનિય છે કે, દેશભરમાં લોક્સભાની ચૂંટણી ૧૯ એપ્રિલથી સાત તબક્કામાં શરૂ થવાની છે, જેમાં સાતમી મેએ ત્રીજા તબક્કામાં ગુજરાતની ૨૬ બેઠકો માટે મતદાન યોજાશે.