બોરસદ પાલિકાના ભાજપના બળવાખોર ૧૪ સભ્યો સહિત ૩૫ પૂર્વ કોર્પોરેટરો અને રાજકીય અગ્રણીઓની બેઠક મળી હતી. જેમાં ભાજપના ૧૪ બળવાખોરોએ આગામી પાલિકાની ચૂંટણી કોંગ્રેસના સમર્થનમાં લડવાનું નક્કી કર્યું હતું. આ મંચ એક સંપ રહ્યું તો ભાજપને ઉમેદવારો શોધવા પણ મુશ્કેલ પડે તેવી સ્થિતિ સર્જાશે. પાલિકાની ૨૬ બેઠકો જીતવા માટે રણનીતિ ઘડાઈ હતી. વોર્ડમાં એક ટીમ લીડર ઉમેદવારની પસંદગી કરશે તેવો સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો.
છેલ્લા બે વર્ષથી બોરસદ પાલિકા સુપર સીડ કરવામાં આવી છે. જેથી પ્રજાના કામો થઈ શક્તા નથી. ત્યારે બોરસદમાં કેટલાક રાજકીય આગેવાનો, ભાજપના બળવાખોર ૧૪ સભ્યો સહિત ૩૫થી વધુ પૂર્વ કાઉન્સિલરોની એક મંચે પ્રથમ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બોરસદના નવ વોર્ડમાંથી અંદાજિત ૨૬થી વધુ બેઠકો જીતવા માટે અત્યારથી જ ઉમેદવારો તૈયાર કરવાની દિશામાં કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. દરેક વોર્ડમાં એક ટીમ લીડર ઉમેદવારોની પસંદગી પણ કરશે. ઉપરાંત શહેરના લઘુમતિ વિસ્તારમાં પણ હવે આગામી દિવસોમાં બેઠક કરીને ચાર જેટલા વોર્ડના ૧૬ સભ્યોની પણ ધીમે ધીમે પસંદગી કરવામાં આવશે. તેવું સર્વ સંમતિથી નક્કી કરવામાં આવ્યું હતું.
બોરસદમાં આગામી ચૂંટણીમાં કોંગ્રેસ પણ પક્ષના ધોરણથી ચૂંટણી નહીં લડે અને વિકાસ મંચને સમર્થન આપશે એવું પણ બેઠકમાં જાહેર કરવામાં આવ્યું હતું. પ્રથમ બેઠકથી જ બોરસદ શહેર ભાજપમાં સોંપો પડી ગયો છે. ચર્ચા અનુસાર વિકાસ મંચ જો ચૂંટણી સુધી મજબૂત અને એક સંપ રહેશે તો ભાજપને કેટલાય વિસ્તારમાં ઉમેદવાર શોધવા પણ મુશ્કેલ પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
પૂર્વ પ્રમુખ રમેશભાઈ રબારી અને કન્વીનર શૈલેષ શાહે જણાવ્યું હતું કે, બોરસદ પાલિકામાં હાલ કરોડો રૂપિયાની ગ્રાન્ટનો વહીવટ સ્થાનિક ધારાસભ્ય અને વહીવટદાર કરે છે. ધારાસભ્ય દ્વારા કામોમાં પણ અનેક જગ્યાએ ભ્રષ્ટાચાર કરી બોરસદ શહેરના બદલે ગ્રાન્ટ આજુબાજુના વિસ્તારોમાં વપરાતા શહેરીજનોને સુવિધાઓ મળતી નથી.