જૂન ૨૦૧૩માં ગોવામાં ભાજપ કાર્યકારિણી બેઠકમાં પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ૨૦૧૪ ચૂંટણી અભિયાન સમિતિના અધ્યક્ષ બનાવાનું એલાન કરી દીધું. જાહેરાત બાદ નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર લખ્યું, વરિષ્ઠ નેતાઓએ મારામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. અમે કોંગ્રેસમુક્ત ભારત બનાવવામાં કોઈ ક્સર નહીં છોડીએ. એ વાતને ૧૧ વર્ષ વીતી ગયાં છે. પીએમ મોદી ત્રીજી વાર સત્તા પર તો બેસી શકશે પરંતુ કોંગ્રેસ મુક્ત ભારતનું સપનું અધૂરું જ રહી ગયું છે. ૨૦૧૪ની લોક્સભા ચૂંટણીનાં પરિણામોમાં ભાજપને ૨૮૨ સીટો મળી હતી. મોદીની એ સમયે જબરદસ્ત લહેર હતી. એ આંધીમાં કોંગ્રેસ ૪૪ સીટો પર આવી ગઈ. ત્યાં સુધી કે તે પહેલી વાર લોક્સભામાં મુખ્ય વિપક્ષી પાર્ટીનો દરજ્જો પણ ગુમાવી બેઠી. એ પહેલાં ૨૦૦૯ની લોક્સભા ચૂંટણીમાં કોંગ્રેસે ૨૦૬ સીટો જીતીને સહયોગીઓ સાથે સરકાર બનાવી હતી. ૨૦૧૯ની લોક્સભા ચૂંટણી દરમ્યાન પીએમ મોદીએ ખૂબ રેલીઓ કરી અને સમગ્ર ચૂંટણી પ્રચાર દરમ્યાન તેમણે કોંગ્રેસના પરિવારવાદ પર નિશાન સાધ્યું . તેમ છતાં પણ ભારત કોંગ્રેસ મુક્ત ન થઈ શક્યું. આ ચૂંટણીમાં ભાજપે બંપર જીત હાંસલ કરતાં ૩૦૩ સીટો જીતી. જ્યારે કોંગ્રેસે ૨૦૧૪ની ચૂંટણીઓના મુકાબલે વધારો કરતાં ૫૨ સીટો જીતી લીધી. આ ચૂંટણીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ખૂબ મહેનત કરી, પરંતુ તે વધુ સીટો ન વધારી શક્યા.
૨૦૨૪ની લોક્સભા ચૂંટણીનાં જે પરિણામો આવી રહ્યાં છે તે અનુસાર કોંગ્રેસ આ વખતે ૧૦૦નો આંકડો પાર કરતી દેખાય છે. પીએમ મોદીએ આ વખતે પણ કોંગ્રેસ પર પોતાનાં ભાષણોમાં હુમલો કર્યો હતો. તેમ છતાં કોંગ્રેસ પર મતદારોનો ભરોસો વયો છે. આ વખતે કોંગ્રેસ ૧૦૦થી વધુ સીટો જીતી શકે છે. જોકે ૧૦ વર્ષની સત્તાવિરોધી લહેરને પણ કોંગ્રેસ અને ઇન્ડી ગઠબંધન ખાળી ન શક્યા તે પણ એક હકીક્ત છે. પરંતુ રાષ્ટ્રીય સ્તરે ભાજપ માટે આ પરિણામો ચેતવણી આપી રહ્યાં છે. માત્ર મોદીના ચહેરા પર ચૂંટણી લડવાથી પક્ષ તરીકે ભાજપને નુક્સાન જશે તે દેખીતી વાત છે. આ વખતની ચૂંટણી પણ વડાપ્રધાન મોદીના ચહેરા પર લડવામાં આવી હતી. ભાજપે દેશમાં ૪૦૦ પારનો નારો આપ્યો હતો, પરંતુ પરિણામો જોતાં એનડીએ ગઠબંધનને ૩૦૦ બેઠકો સુધી પહોંચતાં હાંફ ચડી ગયો છે. તમામ એક્ઝિટ પોલના વરતારા પણ ખોટા પડ્યા અને કહેવાતું હતું કે ઇન્ડી ગઠબંધન ૧૦૦ બેઠકો પણ નહીં મેળવે તે વાત સદંતર ખોટી પડી છે. ભાજપે આત્મમંથન કરવું પડશે. આ પાંખી જીતમાં ભાજપના કાર્યકરોની નારાજગી દેખાઈરહી છે અને સંઘના સંનિષ્ઠ કાર્યકરોની અવગણના બાબતે પણ ધ્યાન આપવું પડશે. ભાજપમાં સાગમટે કોંગ્રેસીઓની ભરતી પણ આ પરિણામોમાં એક કારણ મનાય છે. દેશમાં ઠેર-ઠેર થયેલા ઓછા મતદાનને પણ એક મોટું કારણ માનવામાં આવે છે, જેને કારણે ભાજપની સીટો ઘટી છે. ઓછા મતદાનનો મતલબ છે કે દેશનો મતદાર ઉદાસીન છે, આ વલણ ભાજપે સમજી લેવા જેવું હતું. ટૂંકમાં, ભાજપ અને એનડીએ ગઠબંધન દેશમાં સત્તા તો જાળવી રાખશે પરંતુ તેને આ જીતનો સ્વાદ ખારો લાગતો હશે એટલું નક્કી!