ભાજપ મધ્યપ્રદેશ ના મુખ્યમંત્રી સાથે આખી ટીમને ઘર ભેગી કરવાની તૈયારીમાં

નવીદિલ્હી,

ગુજરાતમાં ભાજપના પ્રચંડ વિજયને પગલે હવે મધ્યપ્રદેશ માં ગુજરાત ફોર્મ્યુલા અપનાવાશે એવી અટકળો ચાલી રહી છે.

ભાજપે સપ્ટેમ્બર ૨૦૨૧માં મુખ્યમંત્રી વિજય રૂપાણીને હટાવી દીધા હતા. સાથે સાથે તમામ ૨૨ મંત્રીને પણ બદલી નાખ્યા હતા. ભાજપે ચૂંટણીના ૧ વર્ષ પહેલાં બોલાવેલા સપાટાનું જોરદાર પરિણામ મળ્યું છે. ભાજપે કલ્પના ના કરી હોય એવી જોરદાર બહુમતી મેળવી છે.

હવે આ જ ફોર્મ્યુલા મધ્યપ્રદેશ માં અપનાવીને શિવરાજસિંહ ચૌહાણની આખી ટીમને ઘરભેગી કરી દેવાશે એવું મનાય છે. મધ્યપ્રદેશ માં એન્ટી ઈક્ધમ્બન્સી ફેક્ટર પ્રબળ હોવાથી તેને ખાળવા મોદી નો રીપીટ ફોર્મ્યુલા લાવશે.

મધ્યપ્રદેશ માં ભાજપ માટે ચિંતાનો વિષય એ પણ છે કે, અન્ય રાજ્યોથી વિપરીત કોંગ્રેસ અહીં જોરદાર ટક્કર આપવાની સ્થિતિમાં છે. વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં ભાજપને ૪૧.૬ ટકા મત સાથે ૧૦૯ બેઠકો અને કોંગ્રેસને ૪૧.૫ ટકા વોટ સાથે ૧૧૪ બેઠકો મળી હતી. ભાજપે જ્યોતિરાદિત્ય સિંધિયા સહિત ૨૨ ધારાસભ્યો પાસે બળવો કરાવીને સત્તા કબજે કરાવી પણ શિવરાજસિંહ સામે પ્રજામાં ભારે અસંતોષ છે.