ભાજપના ધારાસભ્યોએ વિધાનસભામાં રાતવાસો કર્યો, હનુમાન ચાલીસા અને ગીત ગાયા

મૈસૂર ડેવલપમેન્ટ ઓથોરિટી અને વાલ્મિકી અનુસૂચિત જનજાતિ વિકાસ નિગમ કૌભાંડની નિંદા કરવા માટે ભાજપ અને જેડીએસના ધારાસભ્યએ સંયુક્ત રીતે વિધાનસભાની અંદર રાતભર ધરણા કર્યા હતા. કથિત કૌભાંડો પર ચર્ચાની માગણી સાથે વિરોધ પ્રદર્શનમાં વિપક્ષી ધારાસભ્યો વિધાનસભાની અંદર સૂઈ ગયા હતા.

ભાજપના સભ્યોએ બુધવારે વિધાનસભા ગૃહમાં એમયુડીએ કૌભાંડ પર ચર્ચા કરવા માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો, સ્પીકરે તેને ફગાવી દીધી હતી. આનાથી નારાજ વિપક્ષના સભ્યો વિધાનસભા ગૃહના વેલમાં ઘૂસી ગયા હતા તથા રાજ્ય સરકાર અને સ્પીકરના વિરોધમાં નારાજગી શરૂ કરી હતી. ત્યારબાદ સ્પીકરે કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી. તેથી, તેઓએ વિધાનસભા ગૃહમાં બેસીને સરકાર વિરુદ્ધ રાત સુધી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

વિધાનસભાના વિપક્ષના નેતા આર. અશોક, વિધાન પરિષદના વિપક્ષના નેતા ચલવાદી નારાયણસ્વામી, ભાજપના પ્રદેશ પ્રમુખ બી.વાય. વિજયેન્દ્ર સહિત ભાજપ અને જેડીએસના ધારાસભ્યોએ ધરણામાં ભાગ લીધો હતો. વિધાનસભા સચિવ એમ. કે. વિસાલાક્ષીએ વિરોધ કરી રહેલા સભ્યો માટે રાત્રિભોજનની વ્યવસ્થા અંગે પૂછપરછ કરી હતી. ત્યારે આર. અશોકે આક્રોશ વ્યક્ત કર્યો હતો કે, એમયુડીએ અને વાલ્મિકી વિકાસ નિગમના કૌભાંડના પૈસાથી અમે નહીં જમીએ. ત્યારબાદ તમામ ધારાસભ્યોએ આખી રાત વિધાનસભા ગૃહમાં વિતાવી હતી.

સૂતા પહેલા ધારાસભ્યોએ સાથે બેસીને ગીત ગાયા તથા હનુમાન ચાલીસા અને ભજનનો જાપ કર્યો હતો. સ્પીકર આવ્યા પછી પણ ધારાસભ્યોએ ગીતો ગાયા. આ પછી ધારાસભ્યો ગાદલા અને રજાઈ પર સૂઈ ગયા હતા. રાત્રીના ધરણાં શરૂ કર્યા પછી આર. અશોકે કહ્યું કે, સ્પીકરે હવે વિધાનસભા ગૃહમાં મુડા કૌભાંડ પર ચર્ચાની મંજૂરી આપ્યા વિના અમારી બેઠક દરમિયાન ભોજનની વ્યવસ્થા કરવાની ઓફર કરી છે. અમે તેમની સુવિધાને ફગાવી દીધી છે.

Don`t copy text!