ભાજપમાં જોડાવવાની વાત પાયાવિહોણી’:લુણાવાડાના કોંગ્રેસી ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ કેસરિયા ધારણ કરશે તેવી અટકળો પર પોતે જ મૂક્યું પૂર્ણ વિરામ

લુણાવાડા, લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ પક્ષ પાલટાની મોસમ ખીલી છે. બીજી તરફ ભાજપ ગુજરાત લોકસભાની 26એ 26 બેઠકો જંગી બહુમતી સાથે જીતવાનો આશાવાદ સેવી રહી છે. જ્યારે કોંગ્રેસના એક પછી એક નેતાઓને ભાજપમાં જઈ રહ્યા છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસોમાં વધુ કોંગ્રેસી નેતાઓ કોંગ્રેસના હાથના પંજાનો સાથ છોડી શકે તેવી અટકળો વહેતી થઈ છે. તેમાં લુણાવાડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ રાજીનામું આપશે અને ભાજપમાં જોડાશે તેવી અટકળો વહેતી થતા લુણાવાડાના ધારાસભ્યએ મીડિયા સમક્ષ અને સોશિયલ મીડિયાના માધ્યમથી તમામ અહેવાલો અને અટકલોને પાયા વિહોણી ગણાવી ફગાવી દીધા હતા. લુણાવાડા વિધાનસભાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણએ જણાવ્યું હતું કે, આજે સવારથી જ મીડિયામાં જે વાતો ચાલી રહી છે કે ગુલાબસિંહ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવાના છે. આ વાત તદ્દન વાહિયાત છે. વાત ખોટી છે. હું ક્યારે કોંગ્રેસ છોડવાનો નથી અને કોંગ્રેસમાં જ રહેવાનો છું. મીડિયામાં જે વાતો ચાલી રહી છે કે ગુલાબસિંહ કોંગ્રેસ છોડીને લોકસભાની ચૂંટણી લડશે એ વાત તદ્દન ખોટી છે. જો મને કોંગ્રેસ પક્ષ ટીકીટ આપશે તો હું MPની ચૂંટણી લડીશ અને હું MPમાં જો કોંગ્રેસમાંથી લડીસ તો અને જો MPમાં કોંગ્રેસમાંથી જીતીસ તો હું કોંગ્રેસ ધારાસભ્ય પદેથી રાજીનામું આપીશ, પરંતુ જ્યારે હું MPમાં ચૂંટાઉ તો જ. બાકી અત્યારે હું ધારાસભ્ય છું અને ધારાસભ્ય તરીકે ચાલું જ રહેવાનો છું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, મારી કોઈની સાથે એવી વાત થઈ નથી અને હું રાજીનામું આપવાનો જ નથી. કાલે તો અમદાવાદ ખાતે અમારી મિટિંગ છે તો હું કાલે મિટિંગમાં જવાનો છું. આ વાત તદ્દન ખોટી છે કે રાજીનામું આપશે.