દાહોદ, ગુજરાતમાં ગઈકાલે તમામ લોક્સભા બેઠકો પર શાંતિપૂર્વક મતદાન થયું હતું. પરંતું શાંતિપૂર્વક મતદાન વચ્ચે દાહોદ લોક્સભા બેઠક પર મોટી ઘટના બની હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. દાહોદ લોક્સભા બેઠકમાં બિહારવાળી થઈ હતી. મહીસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં બૂથ કેપ્ચરીંગ કરાયું હતું. આ ઘટનામાં ભાજપના જ નેતાના પુત્રે બુથ કેપ્ચરીંગ કર્યુ હતું. ઉપરથી તેણે બુથ કેપ્ચરીંગની સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર લાઈવ કરી હતી.
દાહોલ લોક્સભામાં ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે બૂથમાં ઘૂસી ઈવીએમ કેપ્ચર કર્યું હતું. વિજય ભાભોરે પોતાના સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર આખી ઘટના લાઇવ પણ કરી હતી. એટલું જ નહિ, વિજય ભાભોરે અન્ય લોકો સાથે મળી ભાજપ ઉમેદવાર માટે બોગસ વોટિંગ પણ કર્યુ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. વિજય ભાભોરે બૂથના અધિકારી કર્મચારીઓને ગાળો પણ ભાંડી હતી.
કાયદા કે ચૂંટણી પંચનો જાણે કોઈ ખૌફ જ ન હોય તેમ ભાજપ નેતાના પુત્રએ બૂથને હાઇજેક કર્યું હતું. વિજય ભાભોરે ઈવીએમ પોતાના સાથે લઈ જવાની પણ વાત કરી હતી. સમગ્ર વીડિયો વાયરલ થતાં વિજય ભાભોરે વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી ડિલિટ કર્યો હતો. પરંતુ ત્યાં સુધી લાખો લોકોએ આ બુથ કેપ્ચરીંગની આ ઘટના લાઈવ નિહાળી હતી.
દાહોદમાં બૂથ કેપ્ચરિંગની ફરિયાદ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. દાહોદમાં બૂથના વાયરલ વાડિયા મામલે ચૂંટણી પંચે રિપોર્ટ મંગાવ્યો છે. ચૂંટણી પંચે જિલ્લા કલેક્ટર પાસેથી રીપોર્ટ મંગાવ્યો હતો. રીપોર્ટના આધારે ચૂંટણી પંચ હવે નિર્ણય લેશે. આરોપી યુવકની ધરપકડની સ્થાનિક પોલીસે ધરપકડ કરી છે. દાહોદ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ડો પ્રભાબેન તાવિયાડે કલેક્ટરને આ અંગે ફરિયાદ કરી છે. કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીએ હાલ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે, દાહોદ બેઠક પર ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાભોર અને કોંગ્રેસના ઉમેદવાર ડો.પ્રભાબેન તાવિયાડ વચ્ચે ચૂંટણી જંગ હતી. ચૂંટણી પંચના આંકડા અનુસાર, દાહોદમાં ૫૮.૬૬ ટકા મતદાન નોધાયું છે.