લોક્સભા ચૂંટણીમાં ક્લીન સ્વીપ કરવાથી ચૂકી ગયેલું ગુજરાત ભાજપ હવે બોટાદમાં ચૂંટણી પર મંથન કરશે. પાર્ટીની રાજ્ય કાર્યકારિણી બેઠકમાં ભવિષ્યની તૈયારીઓની સાથે રાજ્યમાં કોંગ્રેસની ચેલેન્જ સાથે લડવા અંગે અનેક ચર્ચાઓ થશે. કોંગ્રેસ પાર્ટીએ હાલમા જ રાજકોટમાં આગકાંડના એક મહિનો પૂરા થવા પર બંધ બોલાવ્યુ હતું, અને તે સફળ રહ્યું હતું.
લોક્સભા ચૂંટણીમાં ભાજપ ગુજરાતમા ક્લીન કરવાનું ચૂકી ગઈ. તેથી હવે ગુજરાત ભાજપની કાર્યકારિણી બેઠક યોજાવાની છે. આમ તો સામાન્ય રીતે ભાજપની મોટાભાગની કારોબારી બેઠક ગાંધીનગરમાં યોજાતી હોય છે, જોકે આ વખતે સ્થળ બદલવામાં આવ્યું છે. ભાજપની જાહેરાત મુજબ કારોબારીની બેઠક ૪ અને ૫ મી જુલાઈના રોજ બોટાદના સાળંગપુર ખાતે યોજાશે.
આ બેઠકની અયક્ષતા પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ કરશે. તેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની હાજરી રહેશે. ગુજરાતમાં પાર્ટીએ રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ જીતનું જશ્ર્ન મનાવ્યું ન હતુ. ત્યારે લોક્સભાના પરિણામ બાદ યોજાઈ રહેલી આ બેઠક પાર્ટીની પહેલી બેઠક બની રહેશે.
૨૦૨૪ લોક્સભા ચૂંટણીમાં ભાજપને ૨૬ માંથી ૨૪ બેઠકો પર જીત મળી હતી. તો સુરતની બેઠક તો ભાજપે પહેલા જ હાંસિલ કરી લીધી હતી. પાર્ટીને લોક્સભા ચૂંટણીમાં કુલ ૬૧.૮૬ ટકા વોટ મળ્યા છે. જ્યારે કે, વર્ષ ૨૦૧૯ માં ૬૨.૨૧ ટકા વોટ મળ્યા હતા. વોટશેરમાં મામૂલી ઘટાડો આવ્યો છે. જેના પર પાર્ટીના નેતાઓ મંથન કરશે. આ સાથે જ લોક્સભા ચૂંટણી બાદ સીઆર પાટીલ કેન્દ્રીય મંત્રી બની ચૂક્યા છે. તેથી આ બેઠકમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખની પસંદગી પણ કરવામાં આવી શકે છે. રાજ્યમાં લાંબા સમયથી સરકારમાં અને સંગઠનમાં ફેરબદલ લાવવાની અટકળો ચાલી રહી છે. એવુ માનવામાં આવી રહ્યું છે કે, બોટાદની બેઠકમાં ભાજપ આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરી શકે છે.
ભાજપની કાર્યકારી બેઠકમાં પાર્ટીના તમામ જિલ્લા અને મહાનગરના પ્રમુખથી લઈને પ્રદેશના તમામ પદાધિકારીઓ હાજર રહેશે. આ બેઠકમાં ભાજપના તમામ ધારાસભ્યો અને સાંસદો ઉપસ્થિત રહેશે. એવી શક્યતા છે કે, આ બેઠક બાદ ભાજપ ગુજરાતમાં પાર્ટી સદસ્યતા અભિયાન શરૂ કરાવી શકે છે. તેના બાદ સંગઠનની પસંદગી પ્રક્રિયા પૂરી થયા સુધી કાર્યવાહક અયક્ષની જાહેરાત પણ કરી શકાય છે. એવી શક્યતા છે કે, પાર્ટી આગળ જઈને કાર્યવાહકને જ મોટી જવાબદારી સોંપી શકે છે.
એક તરફ ભાજપ જ્યાં વિધાનસભામાં મજબૂત થઈ છે, ત્યાં બીજી તરફ લોક્સભાની ચૂંટણીમાં એક બેઠક ગુમાવી ચૂકી છે. આ સાથે જ કોંગ્રેસ હવે ગુજરાતમાં પૂરતી તાકાત લગાડીને રણનીતિ ઘડી રહ્યું છે. બનાસકાંઠામાં જીત બાદ કોંગ્રેસ હાઈકમાન્ડની નજર પણ ગુજરાત કોંગ્રેસ પર પડી છે. રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસને સજીવન કરવા માટે પ્રયાસો શરૂ કર્યા છે. આવામાં ભાજપ માટે આગામી દિવસો ચેલેન્જિંગ બની રહેવાના છે.