આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પૂર્વે જ પાટનગર દિલ્હીમાં હવે પ્રતિષ્ઠાનો જંગ શરૂ થઇ ગયો છે એક તરફ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપીને કેજરીવાલ હવે આગામી છ માસ માટે ફુલટાઇમ પોલીટીશ્યન બની રહેશે અને તેઓ દિલ્હી ફરી જીતવા ઉપરાંત હરિયાણામાં સફળતા મળશે તે જોવા માંગશે.
મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીમાં પણ તેમની ભૂમિકા ગોતશે તો બીજી તરફ ભાજપે પણ હવે તૈયારી કરી લીધી છે અને દિલ્હીમાં ફરી એક વખત બે મહિલાનો જંગ જામે તેવી શકયતા પણ નકારાતી નથી.કેજરીવાલના અનુગામી તરીકે આતિશી મુખ્યમંત્રી બને તેવી શકયતા છે તો ભાજપે અમેઠીમાં હારેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીને ફરી સક્રિય કરી દીધા છે અને હવે તેમને દિલ્હીમાં જવાબદારી સોંપી છે. ભૂતકાળમાં ભાજપે પાટનગર માટે સુષ્મા સ્વરાજથી લઇ કિરણ બેદી સુધી દાવ લગાવ્યા હતા પણ સફળ થયા ન હતા.
હવે અમેઠીમાં રાહુલ ગાંધીના પ્રતિનિધિ સામે લોક્સભા ચૂંટણીમાં પરાજીત થઇને હાલ રાજકીય રીતે એક બાજુ ધકેલાઇ ગયેલા સ્મૃતિ ઇરાનીને હાલ પક્ષે સભ્ય પદ ઝુંબેશ જે ચાલી રહી છે તેના સુપરવિઝનની જવાબદારી સ્મૃતિ ઇરાનીને સોંપી છે.એટલું જ નહીં અગાઉ અમેઠીમાં ઘર બાંધનાર સ્મૃતિ ઇરાની હવે સાઉથ દિલ્હીમાં બંગલો ખરીદયો હોવાનું માનવામાં આવે છે. આતિશીની સામે હાલ સ્મૃતિ ઇરાની ગ્રાઉન્ડ બનાવશે અને બાદમાં જે રીતે અમેઠીમાં એક તબકકે રાહુલ ગાંધીને પડકાર્યા હતા તેમ કેજરીવાલને પડકારશે.
જોકે દિલ્હીમાં સ્મૃતિ ઇરાનીના આગમનથી ભાજપના અનેક નેતાઓના ભવા ઉંચકાઇ ગયા છે. સાંસદ મનોજ તિવારી, દિલ્હી ભાજપ પ્રમુખ વિરેન્દ્ર સચદેવા, પૂર્વ સાંસદ પ્રવેશ વર્મા અને હાલમાં જ દિલ્હીના સાંસદ બનેલા બંસુરી સ્વરાજ માટે ચિંતા થઇ શકે છે.૨૦૧૫માં ભાજપે કિરણ બેદીને મુખ્યમંત્રી પદના દાવેદાર ગણાવ્યા હતા તો એક તબકકે સુષ્માને પણ દિલ્હી સોંપ્યું હતું પણ સફળ રહ્યા નહીં સ્મૃતિ કેટલી સફળતા અપાવી શકે છે તેના પર નજર છે.