
ગોધરા,આજરોજ ભાજપ દ્વારા રાજ્યસભા માટે ગુજરાત માંથી ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ઘણા નવા ઉમેદવારોના નામો સામે આવ્યા છે. જેમાં પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વાઘજીપૂર ગામના વતની અને ગોધરા ખાતે પોતાની હોસ્પિટલ ચલાવતા સર્જન તબીબ અને જિલ્લાના બક્ષીપંચ સમાજના યુવા નેતા ડો. જશવંતસિંહ સાલમસિંહ પરમારના નામની રાજ્યસભા માટે જાહેરાત કરવામાં આવી છે. જેને લઈ સમગ્ર જિલ્લામાં ગર્વ અને હર્ષની લાગણી વ્યાપી છે.
રાજ્યસભાના ઉમેદવાર ડો. જશવંતસિંહ પરમાર કે, જેઓ પોતે ગોધરા ખાતે છેલ્લા 20 વર્ષ ઉપરાંત થી તેઓ પોતાની હોસ્પિટલ ચલાવીને તબીબી સેવા આપી રહ્યા છે. ત્યારે તેઓની વાત કરવામાં આવે તો ડો.જશવંતસિંહ સાલમસિંહ પરમારનો જન્મ 15 જૂન 1975ના રોજ થયો છે અને તેઓએ અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજ માંથી એમ.બી.બી.એસ અને એન.એચ.એલ કોલેજમાંથી માસ્ટર ઓફ સર્જરીનો અભ્યાસ કર્યો છે. ડો જશવંતસિંહ પરમારના પિતા સાલમસિંહ પરમાર એક શાળામાં પ્રિન્સિપાલ હતા. હાલ ડો જશવંતસિંહ પરમાર ગોધરાના બસ સ્ટેન્ડ પાસે ભાગ્યોદય હોસ્પિટલ ચલાવી જિલ્લાના લોકોને સેવા આપી રહ્યા છે. ડો. જશવંતસિંહ પરમારના રાજકીય સફરની વાત કરવામાં આવે તો તેઓના પિતા સાલમસિંહ પરમાર ત્રણ ટર્મ સુધી જિલ્લા પંચાયતના સભ્ય તરીકે રહી ચૂક્યા છે. જેમાં એક વાર આરોગ્ય સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે. ત્યારે ડો. જશવંતસિંહ પરમાર જિલ્લાના બક્ષીપંચ સમાજના અગ્રણી અને યુવા નેતા તરીકે ઓળખાય છે. વર્ષ 2017 માં ગોધરા વિધાનસભા બેઠક માટે ભાજપે ટીકીટ નહિ આપતા નારાજ થઈને તેઓએ અપક્ષ માંથી ચૂંટણી લડ્યા હતા. જેમાં પરાજય થયો હતો અને બાદમાં ભાજપમાં જોડાયા હતા. હાલ રાજ્યસભા માટે તેઓના નામની જાહેરાત થતા જ સમગ્ર જિલ્લામાં હર્ષોલ્લાસ સાથે જિલ્લાવાસીઓ અને ભાજપના હોદ્દેદારોએ અભિનંદન પાઠવ્યા હતા. રાજ્યસભાના ઉમેદવાર ડો. જશવંતસિંહ પરમારે જણાવ્યું હતું કે, વિશ્વની સૌથી મોટી રાજકીય પક્ષ તરફતથી તેઓને રાજ્યસભામાં ગુજરાત રાજ્યનું નેતૃત્વ કરવાનો મોકો આપવામાં આવ્યો છે. ત્યારે ભાજપનો આભાર માન્યા હતા અને તેઓ આગામી દિવસોમાં આ મોકાને યોગ્ય રીતે પૂર્ણ કરશે અને પ્રજા વચ્ચે જઈને લોકોને પડતી મુશ્કેલીને લઈ મળતી રજૂઆતને સરકારમાં મુકશે અને લોકોની પડતી દરેક મુશેકલીને હલ કરવા માટે હર હમેશા પ્રયત્નો કરશે. તેમજ પોતે તબીબ હોવાથી આરોગ્ય લક્ષી યોજનોને પ્રાથમિકતા આપી સારી સુવિધાઓ પુરી પડાવા માટે પ્રયત્નો કરશે. ગોધરાના તબીબ એવા જશવંતસિંહ પરમારનું નામ રાજ્યસભા માટે જાહેર થતા જ ભાજપના જિલ્લાના હોદ્દેદારો તેઓને અભિનંદન પાઠવા માટે હોસ્પિટલમાં પહોંચ્યા હતા.