ભાજપ-કોંગ્રેસ અને આપે આગામી પેટા ચુંટણીમાં ઉમેદવારો ઉતાર્યા

લોક્સભા ચૂંટણી પૂર્ણ થયા બાદ ઘણા રાજ્યોમાં પેટાચૂંટણી યોજાવાની છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સહિત અન્ય ઘણી પાર્ટીઓએ તેમના ઉમેદવારોના નામની જાહેરાત કરવાનું શરૂ કરી દીધું છે. સોમવારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ભાજપે પંજાબ અને પશ્ર્ચિમ બંગાળની આગામી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ભાજપે પંજાબની જલંધર પશ્ર્ચિમ વિધાનસભા બેઠક પરથી શીતલ અંગુરાલને તેના ઉમેદવાર તરીકે ઉતાર્યા છે.

આ સાથે ભાજપે પશ્ર્ચિમ બંગાળની ૪ વિધાનસભા સીટો પર પેટાચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ભાજપે પશ્ર્ચિમ બંગાળની રાયગંજ વિધાનસભા બેઠક પરથી માનસ કુમાર ઘોષને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. મનોજ કુમાર બિસ્વાસને રાણાઘાટ દક્ષિણથી ટિકિટ આપવામાં આવી છે. ભાજપે બગડા બેઠક પરથી બિનય કુમાર બિસ્વાસ અને મણિક્તલા વિધાનસભા બેઠક પરથી કલ્યાણ ચૌબેને ઉમેદવાર બનાવ્યા છે.

કોંગ્રેસે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડની ૨-૨ વિધાનસભા બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીની યાદી જાહેર કરી છે. હિમાચલની હરમીરપુર વિધાનસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસે ડો.પુષ્પેન્દ્ર વર્માને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. નાલાગઢ વિધાનસભા પેટાચૂંટણી માટે હરદીપ સિંહ બાવાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ઉત્તરાખંડની બદ્રીનાથ વિધાનસભા બેઠક પર યોજાનારી પેટાચૂંટણી માટે લખપત બુટોલાને પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસે ઉત્તરાખંડની મેંગ્લોર વિધાનસભા બેઠક માટે કાઝી નિઝામુદ્દીનને ટિકિટ આપી છે.

પંજાબની જલંધર પશ્ર્ચિમ વિધાનસભા બેઠક પર યોજાનારી પેટાચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ મોહિન્દર ભગતને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે. તમને જણાવી દઈએ કે આ વખતે લોક્સભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ત્રણ સીટો જીતી છે. પંજાબમાં પણ આમ આદમી પાર્ટીની સરકાર છે.