ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ:વાંસદામાં ઝંડા લગાવવા મુદ્દે બંને પક્ષના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી, પોલીસે મામલો શાંત કરવા મધ્યસ્થી કરી

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના દુબળ ફળિયા વિસ્તારમાં રાજકીય તંગદિલી સર્જાઈ છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિસ્તારમાં પક્ષનો ઝંડો લગાવવાની પ્રક્રિયા દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ સાથે ઘર્ષણ સર્જાયું હતું. આ ઘટનામાં બંને પક્ષના કાર્યકર્તાઓ વચ્ચે શાબ્દિક તકરાર બાદ મારામારી સુધી નોબત આવી હતી.

ઘટનામાં એક વ્યક્તિને ઈજા થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સ્થિતિ વણસતી જોઈ વાંસદા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો શાંત પાડ્યો હતો. જોકે, આ ઘટના અંગે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

મહત્વપૂર્ણ છે કે આ મામલો વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સુધી પહોંચ્યો છે. બંને પક્ષના કાર્યકર્તાઓ દ્વારા એકબીજા પર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના કાર્યકર્તાઓનો આરોપ છે કે ઝંડો લગાવતી વખતે ભાજપના કાર્યકર્તાઓએ અનાવશ્યક માથાકૂટ કરી, જ્યારે ભાજપના કાર્યકર્તાઓએ કોંગ્રેસ પર હાથાપાઈનો આરોપ મૂક્યો છે. પોલીસે બંને પક્ષો વચ્ચે મધ્યસ્થી કરી પરિસ્થિતિ નિયંત્રણમાં લીધી છે.

વલસાડ લોકસભાના સાંસદ ધવલ પટેલ જણાવે છે કે વાંસદા તાલુકામાં આવેલી કંડોલપાડા તાલુકા પંચાયતની ચૂંટણી હોય અમારા કાર્યકર્તાઓ પ્રચાર કરી રહ્યા હતા ત્યારે કોંગ્રેસના કેટલાક તત્વો દ્વારા આ પ્રચાર અભિયાનને વિખેરવા માટે ષડયંત્ર રચ્યું છે, પરંતુ અમે અમારા કાર્યકર્તાઓને સમજાવ્યા છે કે કોઈપણ પરિસ્થિતિમાં ડગવાનું નથી અને પ્રચાર કાર્ય જોરમાં શરૂ રાખવાનું છે.