ભાજપ ભલે રૂપાલાની ફેવર કરે પણ એમને પણ ડર લાગતાં રૂપાલાને દિલ્હીનું તેડું આવ્યું

રાજકોટ, ગુજરાતમાં રાજકોટ એ ભાજપની સેફ સીટ ગણાય છે. રાજકોટ લોક્સભા બેઠક પર જ્યારે પરશોતમ રૂપાલાનું નામ જાહેર કરવામાં આવ્યું ત્યારે નાનામાં નાના કાર્યર્ક્તાથી માંડીને પાર્ટી હાઈ કમાન્ડ સુધી સૌ કોઈ માની રહ્યા હતા કે અહીં તો ૫ લાખની લીડની જગ્યાએ ૬.૫ લાખની લીડ ભારતીય જનતા પાર્ટીના સિનિયર સૌરાષ્ટ્રના લીડર તેમજ કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાને મળશે. પરંતુ સેફ ગણાતી સીટ ઉપર દિવસે અને દિવસે પરશોત્તમ રૂપાલા માટે કપરો સમય ચાલી રહ્યો છે. ડાયરાની જેમ ભાષણ લલકારવાના શોખિન રૂપાલાને હવે એક નહીં ૨ સમાજ વિરોધમાં આવ્યો છે. ક્ષત્રિયોનો વિવાદ તો પૂરો થયો નથી ત્યાં રૂપાલાએ દલિત સમાજને પણ નારાજ કરી દીધો છે. ભાષણોમાં કહેવતો અને ટૂંચકાઓ લલકારી લાંબા લાંબા ભાષણો આપતા રૂપાલાને ભાષણો ભારે પડી રહ્યાં છે. ગુજરાતમાં ક્ષત્રિય સમાજનો વિવાદ વધી રહ્યો છે.

ભાજપને એમ કે જયરાજસિંહ જાડેજાને વચ્ચે લાવી આ વિવાદ પૂરો કરી દેશે પણ હવે જયરાજસિંહ એટલે કોણ એવો સવાલ ઉભો થયો છે. ભાજપના નેતાઓ ભેગા કરીને જયરાજસિંહ જાડેજાને આગળ કરી ભાજપે દાવ તો ખેલી દીધો પાટીલે એમ પણ કહી દીધું કે ૨૪ કલાકમાં વિવાદનો અંત આવી જશે પણ હવે જયરાજ કોણ એ સવાલ ઉભો થયો છે. ક્ષત્રિય સમાજની મહિલાઓએ તો જયરાજસિંહ ને સિંહ કાઢીને ભાઈ બનાવી દીધા છે. આ પ્રકરણમાં ગોંડલના બાહુબલી જયરાજસિંહ જાડેજાની આબરૂ દાવ પર લાગી ગઈ છે. આગામી દિવસોમાં આ વિવાદનો પડઘો રાજસ્થાન અને એમપી સુધી પડવાનો ભાજપને ડર છે. ક્ષત્રિયો મામલે બુમરાણ મચાવતી કરણીસેનાનું પ્રભુત્વ રાજસ્થાન અને એમપીમાં પણ છે.

ગુજરાતમાં ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ ધરાવતા ગામડાઓમાં આની અસર જોવા મળી રહી છે. આ ગામોમાં ભાજપના નેતાઓની પ્રવેશ બંધી કરાઈ રહી છે. ભાજપને હવે એ ડર લાગી રહ્યો છે કે ક્ષત્રિય સમાજનો આ વિવાદ ગુજરાતના દરેક ગામ સુધી ના પહોંચે.ક્ષત્રિય સમાજનો વિરોધ છતાં રાજકોટમાં રૂપાલાને હરાવવા એ અશક્ય છે એ સૌ કોઈ જાણે છે કારણ કે આ બેઠક એ ભાજપની સેફ બેઠક છે. હવે ભાજપે નવા ઉમેદવારની શોધ શરૂ કરી હોવાની ચર્ચા છે. કડવા પાટીદાર સાંસદ મોહન કુંડારીયાની જગ્યાએ કડવા પાટીદાર સમાજમાંથી આવતા પરશોત્તમ રૂપાલાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. રાજકોટ સીટ ઉપર ભરત બોઘરા સહિતના લેઉવા પટેલ સમાજમાંથી આવતા નેતાઓ મામલે સેન્સ આપવામાં આવી હતી. તેમ છતાં પાર્ટી દ્વારા અહીં કડવા પટેલ સમાજમાંથી આવતા પરશોત્તમ રૂપાલાને ટિકિટ આપી હતી.

ભારતીય જનતા પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટીને અગાઉથી જ ખ્યાલ હતો કે જો આ સીટ ઉપર મેક્સિમમ લીડ મેળવવી હોય તો તેના માટે લેઉવા પટેલ સમાજના નેતાઓ અને લોકોનો સાથ જરૂરી છે. ક્ષત્રિયોના વિવાદ બાદ હવે કડવા અને લેઉવા પાટીદારો એક થઈ ગયા છે. જેને પગલે રૂપાલા માટે આ બેઠક વધારે સેફ થઈ ગઈ છે. રૂપાલાને અહીંથી હરાવવા એ લોઢાના ચણા ચાવવા સમાન છે. ક્ષત્રિયોનો વિવાદ પણ અહીં નડે એમ નથી. આ બેઠક પર માંડ ૫ ટકા ક્ષત્રિય મતદારો છે જેમાં ૨ ટકા તો ભાજપની ફેવર કરી રહ્યાં છે. રાજકોટ લોક્સભા બેઠકની ભાજપનો ગઢ માનવામાં આવે છે. છેલ્લા ૩૦ વર્ષ કરતાં વધુ સમયથી અહીંથી ભાજપના ઉમેદવારો સતત જીતા આવ્યા છે. જ્યારે વર્ષ ૨૦૦૯માં આ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર અને હાલના ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનો વિજય થયો હતો પરંતુ ત્યારબાદ સતત ભાજપના જ ઉમેદવાર જીતી રહ્યા છે.

વર્તમાન સાંસદ મોહન કુંડારીયાને ભાજપ દ્વારા બે વખત રિપીટ કરવામાં આવ્યા હતા. જ્યારે તેઓ બંને વખત રાજકોટ લોક્સભા બેઠક ઉપરથી ચૂંટણી જીત્યા છે.૧૯૮૯થી આ બેઠક હવે ભાજપનો ગઢ માનવામાં આવે છે. આ બેઠકથી જીતેલા ઉમેદવારો કેન્દ્રીય મંત્રી સુધી પણ પહોંચ્યા છે.૧૯૮૯ બાદ એક જ વખત કોંગ્રેસ જીતી છે રાજકોટ બેઠક. રાજકોટ લોક્સભા બેઠકને ભાજપનોગઢ માનવામાં આવે છે કારણ કે અહીંયા જનસંઘથી વખતથી ભાજપની જબરજસ્ત પકડ રહી છે. વર્ષ ૨૦૦૯માં અહીંયા કોંગ્રેસના ઉમેદવાર કુંવરજી બાવળીયા જીત્યા હતા પરંતુ ત્યારબાદ સતત ભાજપના ઉમેદવારોની જીતે છે. કારણ કે અહીંયા ભાજપ પક્ષ એટલો મજબૂત છે કે અહીંયા ભાજપના કોઈપણ નેતા નેતાને ટિકિટ મળે તો પણ તે ખુબજ સહેલાઈથી જીતી શકે છે. અહીંયા બુથ લેવલથી જ ભાજપ ખૂબ સક્રિય છે. જ્યારે રાજકોટ મહાનગરપાલિકાના કેટલાક વોર્ડ તો ભાજપના જ વોર્ડ માનવામાં આવે છે. જેના કારણે ભાજપને અહીંથી સહેલાઈથી જીત મળી રહે છે.

આમ છતાં ભાજપે રૂપાલાને દિલ્હી બોલાવ્યા છે અને તમામ ઉમેદવારો તેમજ ભાજપના નેતાઓને મૌન રહેવાના આદેશો આપ્યા છે. ભાજપને ખબર છે કે કોંગ્રેસ અને પાર્ટીના અસંતુષ્ટો આ વિવાદને વકરાવી શકે છે. ભાજપના અંદરો અંદરના કેટલાક નેતાઓ આગમાં ઘી હોમવાનું કામ કરી રહ્યાં છે. જેઓ અહીંથી ટિકિટના દાવેદાર હતા તેઓ પડદા પાછળ ખેલ પાડી રહ્યાં છે. જેઓ નેતાઓના નજીકના પણ છે.પરસોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણી બાદ ભાજપની ઊંઘ ઉડી ગઈ છે.