
નવી દિલ્હી,
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા અને દિલ્હી જલ બોર્ડના વાઈસ ચેરમેન સૌરભ ભારદ્વાજે આજે પ્રેસ કોન્ફરન્સ યોજી. કોન્ફરન્સમાં આપ નેતા સૌરભ ભારદ્વાજે કેન્દ્ર સરકાર અને દિલ્હીના ઉપરાજ્યપાલ પર નિશાન સાયુ. પત્રકારો સાથે વાતચીતમાં ભારદ્વાજે કહ્યુ, પોતાની અમુક ખરાબ ટેવોમાં ડૂબેલી ભાજપે એલજીને વધુ એક પત્ર મોકલ્યો છે. જેમ જેમ વેલેન્ટાઈન નજીક આવશે, તેમના લવ લેટર વધતા જશે.
સૌરભ ભારદ્વાજ ગ્રેટર કૈલાશથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પણ છે. તેમનું કહેવુ છે કે કેન્દ્ર તેમના કાર્યોમાં રોડા નાખે છે. તેમણે ન્યુઝપેપર બતાવીને કહ્યુ, ભાજપના મુખ્યમંત્રી દિલ્હીના પેપરની અંદર પોતાનો પ્રચાર છપાવડાવે છે. તેમની જાહેરાત અલગ-અલગ રાજ્યોની અંદર છપાય છે તો ૨૨૦૦૦ કરોડ બને છે… પરંતુ અમારી પાસે ૯૭ કરોડ વસૂલવા આવી ગયા છે. હુ પૂછુ છુ… આ લોકો ૨૨૦૦૦ કરોડ ક્યારે આપશે, અમે ૯૭ કરોડ આપી દઈશુ.’’
સૌરભ ભારદ્વાજે ભાજપ સરકાર પર પ્રશ્ર્ન ઉઠાવતા કહ્યુ, વૃદ્ધોનું પેન્શન કેટલાય મહિનાઓ સુધી રોકવામાં આવી રહ્યુ છે. જલ બોર્ડના રૂપિયા કેટલાય મહિના સુધી રોકી રખાય છે. તેમણે કહ્યુ કે એલજી સાહેબ પાસે કોઈ એવો પાવર નથી કે તેઓ આવા આદેશ આપશે. એલજી સાહેબ તે જ કરશે જે ભાજપ કહે છે. એલજી સાહેબને કોઈ કાયદાકીય સમજણ નથી. હવે એ વાત સ્પષ્ટ થતી જોવા મળી રહી છે કે ભાજપનો સીધો ઝઘડો દિલ્હીની જનતા સાથે છે. આ ભાજપ વિરુદ્ધ દિલ્હીની જનતાની લડાઈ થઈ ગઈ છે.
સૌરભ ભારદ્વાજે કહ્યુ, અમુક વર્ષો પહેલા જે મામલો ખતમ થઈ ગયો હતો, તેને હેડલાઈન બનાવીને એ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, જેનાથી દિલ્હીના કામ રોકી શકાય. હુ કહી રહ્યો છુ કે એલજી સાહેબ અને ભાજપ ગમે તેટલો પ્રયત્ન કરી લે, આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ છે અને હવે આગળ વધતી રહેશે.