ભાજપ આગામી વર્ષની સામાન્ય ચૂંટણીઓ પહેલા રાજ્યની છબી ખરાબ કરવા માટે લોકોમાં વિભાજન કરી શકે છે : મમતા

કોલકતા, પશ્ર્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ વિધાનસભામાં આક્ષેપ કર્યો હતો કે વિપક્ષ ભારતીય જનતા પાર્ટી આગામી વર્ષની સામાન્ય ચૂંટણીઓ પહેલા રાજ્યની છબી ખરાબ કરવા માટે લોકોમાં વિભાજન કરીને મુશ્કેલી ઊભી કરવાનો પ્રયાસ કરી રહી છે.

રાજ્ય વિધાનસભામાં ચર્ચા દરમિયાન, મમતાએ દાવો કર્યો હતો કે તેમને ખબર હતી કે ભાજપની યોજના નવી દિલ્હીમાં તેના રાજ્ય એકમના વરિષ્ઠ નેતાઓ સાથેની તાજેતરની બેઠક દરમિયાન તૈયાર કરવામાં આવી હતી. તેમણે દાવો કર્યો હતો કે ભાજપે એવી કોઈપણ પાર્ટીને ફંડ આપવાની યોજના બનાવી છે જે તૃણમૂલ કોંગ્રેસના મતોનું વિભાજન કરી શકે.

મમતાએ કહ્યું, “મને રાષ્ટ્રીય રાજધાનીમાં બીજેપીની બેઠકની જાણ છે. હું તે મીટિંગમાં હાજર રહેલા લોકોના નામ નહીં આપું. તેઓ ધર્મ અને જાતિના આધારે સમાજને વિભાજિત કરવાની યોજના બનાવી રહ્યા છે. તેઓ રાજ્યની ખરાબ છબી રજૂ કરવા માટે મહિલાઓ, દલિતો અને આદિવાસીઓ અને રાજબંગશીઓ સહિતના નબળા વર્ગો સામેના કથિત અપરાધોને પ્રકાશિત કરવાની યોજના બનાવી રહ્યા છે.

વિધાનસભામાં પંચાયત ચૂંટણીમાં થયેલી હિંસા અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર વિપક્ષ ભાજપ દ્વારા લાવવામાં આવેલા ઠરાવ પર ચર્ચા કરવામાં આવી હતી. વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ આ પ્રસ્તાવ મૂક્યો અને સ્પીકર બિમન બેનર્જીએ તેને મંજૂરી આપી.