ભાજપ બીજા રાજકીય આગેવાનોને ડરાવીને તેમનામાં સામેલ કરે છે: મુકુલ વાસનિક

અમદાવાદ, ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે જણાવ્યું હતું કે ભાજપ બીજા રાજકીય પક્ષોના આગેવાનોને ડરાવીને તેમના પક્ષમાં સામેલ કરે છે. ભાજપમાં આવેલી ભરતી કંઈ તેમની વિચારધારાને આભારી નથી, પરંતુ ઇડી અને સીબીઆઇના ડરને આભારી છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે ભાજપને પોતાના બળે બહુમતી મેળવવાનો વિશ્ર્વાસ નથી તેથી જ તે બીજા રાજકીય પક્ષોના નેતાઓને સામેલ કરી રહ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે આજે ભાજપે તેમના પક્ષને કોંગ્રેસી આગેવાનોથી ભરી દીધો છે. ભાજપ કોંગ્રેસમુક્ત ભારત કરવા જતાં-જતાં કોંગ્રેસયુક્ત ભાજપ થઈ ગયું છે. આસામમાં ભાજપના મુખ્યમંત્રી હિમન્તા બિસ્વા સરમા કોંગ્રેસના મૂળના છે. આ ઉપરાંત ભાજપે કર્ણાટકમાં યેદિયુરપ્પાના સ્થાને જેમને સીએમ બનાવ્યા હતા તેમનું ગોત્ર પણ મૂળ તો કોંગ્રેસનું જ હતુ.

આ બતાવે છે કે ભાજપ પાસે સારા રાજકીય આગેવાનોની કેટલી ખોટ છે કે તેણે કોંગ્રેસમાંથી તેને આયાત કરવા પડી રહ્યા છે. શું ભાજપને ચૂંટણી જીતવા માટે પોતાની કેડર પર ભરોસો નથી, તેણે કેમ સામ,દામ દંડ અને ભેદ વડે કોંગ્રેસ અને બીજા પક્ષોના નેતાઓને તેના પક્ષમાં સમાવવા પડે છે.

ભાજપ પોતે જ હિંદુત્વની વિચારધારામાં માને છે અને તેના આધારે તેને બહુમતી મેળવી છે તો પછી તેને કોંગ્રેસની ટેકણલાકડીની કેમ જરૂર પડે છે. આગામી દિવસોમાં ભાજપમાંથી ચૂંટણી લડનારા અડધા ઉપરાંતના નેતાઓ કોંગ્રેસના જ હશે તો આશ્ર્ચર્ય નહી થાય, પછી તે જિલ્લા પંચાયતની ચૂંટણી હોય, કોર્પોરેશનની ચૂંટણી હોય, વિધાનસભા હોય કે લોક્સભા હોય કે રાજ્યસભા. ગુજરાતમાં ભાજપમાંથી રાજ્યસભામાં ગયેલા નરહરિ અમીન કોંગ્રેસના જ છે. ગુજરાતમાં કોંગ્રેસના હવે ચાર જ બેઠકોના ઉમેદવાર જાહેર કરવાના બાકી છે અને તેની ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે.