ભાજપમાં જોડાવા ૫ કરોડની ઓફર થયાના આપ નેતાના દાવાથી હડકંપ

ચંડીગઢ, પંજાબના લુધિયાના દક્ષિણથી આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ એફઆઇઆર નોંધાવી છે. ધારાસભ્ય રજિંદરપાલ કૌર છીનાએ ફરિયાદ કરી છે કે, તેમને પાર્ટી છોડવા માટે ૫ કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે, આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ પણ આ મામલે ઝીણવટ પૂર્વક તપાસ કરવા માટે પોલીસને અપીલ કરી છે.

એક અહેવાલ પ્રમાણે એફઆઇઆરમાં કહેવામાં આવ્યું છે કે, છીનાને આમ આદમી પાર્ટી છોડવા માટે ૫ કરોડ રૂપિયા અને ભાજપના મોટા નેતાઓ સાથે દિલ્હીમાં મુલાકાત કરાવવાની વાત કહેવામાં આવી હતી. આ સાથએ જ તેમને સાંસદની ટિકીટ આપવાનો પણ વાયદો કરવામાં આવ્યો હતો. અહેવાલમાં પોલૂસ સૂત્રોના હવાલે કહેવામાં આવ્યું છે કે, છીના દ્વારા ફોન નંબર પણ આપવામાં આવ્યો છે જે ૪૬ કોડન એટલે કે, સ્વીડનનો છે. છીનાએ આરોપ લગાવ્યો છે કે તેમને આ નંબરો પરથી કોલ આવ્યા હતા. તેમણે પોલીસને એ પણ જણાવ્યું કે ફોન કરનારનું નામ સેવક સિંહ છે જે પોતાને ભાજપનો કાર્યકર ગણાવી રહ્યો છે. સિંહ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. તે દિલ્હીમાં હોવાનો દાવો કરી રહ્યો છે. મહત્વની વાત એ છે કે આપ ધારાસભ્ય દ્વારા આ આરોપો એવા સમયે લગાવવામાં આવ્યા છે જ્યારે પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમની ધરપકડને લઈને સતત ભાજપને ઘેરી રહ્યા છે.

એફઆઇઆરમાં કહેવામાં આવ્યું છે કે, ફરિયાદીને એક કોલ આવ્યો હતો જેમાં કોલ કરનારે પોતાની ઓળખ બીજેપીના દિલ્હી કાર્યાલયમાંથી સેવક સિંહ તરીકે આપી હતી. તેમણે ફરિયાદીને આપ છોડીને ભાજપમાં જોડાવા માટે ૫ કરોડ રૂપિયાની ઓફર આપી હતી. આ સાથે જ તેમણે ફરિયાદીને સાંસદની ટિકિટ કે કેન્દ્ર સરકારમાં કોઈ મોટું પદ અપાવવાની પણ લાલચ આપી હતી. તેમણે દિલ્હીમાં ભાજપના નેતાઓ સાથે ફરિયાદીની બેઠક યોજવાનું પણ વચન આપ્યું હતું.

એડિશનલ ડીસીપી-૨ દેવ સિંહનું કહેવું છે કે, આ મામલે તપાસ ચાલી રહી છે. તેમણે કહ્યું કે, પ્રથમ દ્રષ્ટિએ આ કોલ સ્વીડનના નંબરનો ઉપયોગ કરીને કરવામાં આવ્યો છે પરંતુ હાલમાં કંઈ કહી ન શકાય. ભારતીય જનતા પાર્ટીએ પણ આ મામલે ઝીણવટ પૂર્વક તપાસ કરવા માટે પોલીસને અપીલ કરી આ મામલે પંજાબ ભઆજપના પ્રવક્તા જયબંસ સિંહે કહ્યું કે, અમારી જાણમાં આમારી પાર્ટીમાંથી સેવક સિંહ નામનું કોઈ વ્યક્તિ નથી. અમે પોલીસને આ મામલે ઝીણવટપૂર્ણ તપાસ અને એફઆઇઆર પાછળનું સત્ય સામે લાવવા માટે અપીલ કરીએ છીએ.