આજકાલ રાજ્યમાં બળાત્કાર અને છેડતીની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. હવસખોરો નાની ફૂલ જેવી બાળકીઓને પણ પીંખી નાખતા હોય છે. ત્યારે ભાઈ બહેનના પવિત્ર સબંધને કલંક લગાડે તેવો લાલબત્તી સમાન કિસ્સો બોટાદના ગઢડાથી સામે આવ્યો છે. જ્યાં એક કૌટુંબિક ભાઈએ જ 13 વર્ષની માસૂમ બહેન પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. કૌટુંબિક ભાઈએ જ બહેનને પીંખી ગઢડા તાલુકાના એક ગામની સગીરાને તેના કૌટુંબિક ભાઈએ ધમકી આપી તેના ઘરે બોલાવી દુષ્કર્મ આચર્યું હતું. જે બાબતે સગીરાના પિતાએ ગઢડા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી ગઢડા પોલીસે ગણતરીની કલાકમાં સગીરા પર દુષ્કર્મ ગુજારનાર કૌટુંબિક ભાઈની ધરપકડ કરી હતી. બાદમાં પોલીસે સગીરાને મેડિકલ ચેકઅપ કરાવતા સગીરાને બે માસનો ગર્ભ હોવાનું મેડિકલ રીપોર્ટમાં સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના એક ગામે આશરે 13 વર્ષ ને નવ માસની સગીરાને ગઈ તારીખ 4 ડિસેમ્બર 2024ના રોજ એકાએક પેટમાં દુ:ખાવો થયો હતો. જેથી તેના માતા પિતા સગીરાને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરે સગીરાની તપાસ કરતાં સગીરા સાથે દુષ્કર્મ થયાનું સામે આવ્યું હતું. જેની ફરજ પરના ડોક્ટરે સગીરાના માતા-પિતાને જાણ કરી હતી.
સગીરાના માતાપિતાએ ઘરે આવીને સગીરાની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, ત્રણેક માસ પહેલાં પ્રદિપ વિનાભાઈ શેખલીયાએ મને તેના ઘરે બોલાવી ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હતું. જેથી સગીરાના પિતાએ ગઢડા પોલીસ સ્ટેશને આવી પોલીસને સમગ્ર ઘટના અંગે જાણ કરી પ્રદિપ વિનાભાઈ શેખલીયા (ઉં.વ.અંદાજે 19થી 20, ગામ રતનપર) સામે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે ગઢડા પોલીસે પ્રદિપ વિનાભાઈ શેખલીયા વિરૂદ્ધ દુષ્કર્મ અને પોક્સો કલમ હેઠળ ગુનો નોંધી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ગઢડા પોલીસે સગીરાનું મેડિકલ કરાવતાં સગીરાને બે માસનો ગર્ભ હોવાનું રીપોર્ટમાં સામે આવ્યું છે.
આ અંગે બોટાદ Dy.sp મહર્ષિ રાવલે જણાવ્યું હતું કે, ગઢડા પોલીસ સ્ટેશનમાં BSNની કલમ 65(1) તથા પોક્સોની કલમ 3(A) તથા 4નો ગુનો દાખલ થયો છે. જેમાં ફરિયાદીએ જણાવ્યું છે કે, તેમની સગીર વયની દીકરીને ધમકી આપી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. જેથી પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરી હતી. જે બાદ પોલીસે ગણતરીના કલાકોમાં ગુનો આચરનાર આરોપી પ્રદિપ વિનાભાઈ શેખલીયાની ધરપકડ કરી હતી. હાલ તેને વધુ તપાસ અર્થે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે.