ભાગવત મસ્જિદ-મદરેસામાં જવા લાગ્યા, હવે મોદી પણ ટોપી પહેરવા લાગશે: દિગ્વિજય સિંહ

newsreach.in

નવીદિલ્હી,

રાજ્યસભાના સભ્ય અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે ફરી એકવાર આરએસએસ અને ભાજપ પર નિશાન સાયું છે. તેમણે કહ્યું કે પૂર્વ કોંગ્રેસ અયક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ચાલી રહેલી ભારત જોડો યાત્રા આરએસએસના વડા મોહન ભાગવતને અસર કરી રહી છે. તેમણે દાવો કર્યો હતો કે ભાગવતને મદરેસાઓ અને મસ્જિદોમાં જવા પર મજબૂર થવું પડ્યું છે અને થોડા દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ’ટોપી’ પહેરવાનું શરૂ કરી દેશે.

દિગ્વિજય ભારત જોડો યાત્રાના આયોજન સમિતિના વડા છે. ઈન્દોરમાં યાત્રાની તૈયારીઓની સમીક્ષા કરતી વખતે તેમણે કહ્યું હતું કે, ભાજપ આ દિવસોમાં ટીકા માટે ખાસ કરીને રાહુલ ગાંધીને એટલા માટે પસંદ કરી રહી છે કારણ કે તેમની ભારત જોડો યાત્રાના એક મહિનાની અંદર ભાગવત મદરેસા અને મસ્જિદમાં જવા લાગ્યા છે. થોડાં જ દિવસોમાં મોદી પણ ટોપી પહેરવા લાગશે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ એમ પણ કહ્યું કે, વડાપ્રધાન મોદી સાઉદી અરેબિયા અને અન્ય દેશોમાં ’ટોપી’ પહેરે છે, પરંતુ તેઓ ભારત પરત ફર્યા બાદ પોતાના માથા પર ’ટોપી’ પહેરતા નથી. આ સાથે જ તેમણે દાવો કર્યો કે, ૭ સપ્ટેમ્બરે કન્યાકુમારીથી શરૂ થયેલી ભારત જોડો યાત્રાની ૨ મહિનાની અંદર જ ઘણી અસર થઈ છે. તેથી જ સંઘના એક મોટા નેતાએ કહેવું પડ્યું કે, દેશના ગરીબ લોકો વધુ ગરીબ અને અમીર લોકો વધુ અમીર થઈ રહ્યા છે. દિગ્વિજયે કહ્યું કે તમે જોજો, જ્યારે આ યાત્રા તેના અંતિમ મુકામ શ્રીનગર પહોંચશે ત્યારે શું થાય છે.

દિગ્વિજય સિંહે આરોપ લગાવ્યો કે, ભાજપ માત્ર એસસી અને એસટી લોકોના કલ્યાણના નામે દેખાડો કરતા આયોજનો પર જ ભરોસો કરે છે. તેમણે કહ્યું, અમને ગર્વ છે કે દ્રૌપદી મુર્મૂ આપણા દેશના રાષ્ટ્રપતિ છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે તેઓ મયપ્રદેશમાં આદિવાસીઓ સાથે થતી સતામણી પર કશું બોલશે. જો તેઓ આ વિષય પર બોલવા ન માંગતા હોય, તો તેઓ અમારા પ્રતિનિધિમંડળને તેમની સાથે ચર્ચા કરવા માટે સમય આપી શકે છે. છેલ્લી વખત અનુસૂચિત જાતિના રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ બન્યા હતા. વડાપ્રધાન જણાવે કે તેમની સરકારે કોવિંદના કાર્યકાળ દરમિયાન દેશના કરોડો દલિતોના હિતમાં શું કર્યું?

ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદ ઉલ મુસ્લિમીનની સક્રિયતા પર પણ દિગ્વિજયે આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે તેઓ વર્ષોથી કહેતા આવ્યા છે કે, આ પક્ષો સંઘના ’કોંગ્રેસ-મુક્ત ભારત’ વિઝનનો ભાગ અને ’ભાજપની બી-ટીમ’ છે. તેમણે દાવો કર્યો હતો કે, બંને પક્ષો માત્ર અન્ય પક્ષોના મત કાપવા ચૂંટણી લડે છે, જેથી ભાજપને મદદ મળી શકે.