ભગવંત માને પંજાબ-દિલ્હીમાં ઝેડ સુરક્ષા લેવાનો ઇનકાર કર્યો , પંજાબ પોલીસ પર વિશ્ર્વાસ વ્યક્ત કર્યો

ચંડીગઢ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કેન્દ્ર દ્વારા મંજૂર કરાયેલ ઝેડ પ્લસ સુરક્ષા લેવાનો ઇનકાર કરી દીધો છે. આ અંગે તેમણે કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયને લખેલા પત્રમાં, મુખ્યમંત્રીએ પંજાબ અને દિલ્હીની સુરક્ષા લેવાનો ઇનકાર કરતા કહ્યું છે કે આ બંને સ્થળોએ તેમને પંજાબ પોલીસની વિશેષ સુરક્ષા છે. લગભગ એક અઠવાડિયા પહેલા કેન્દ્ર સરકારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને ઝેડ પ્લસ સુરક્ષાની મંજૂરી આપી હતી અને સંપૂર્ણ સુરક્ષા કવચ આપવાનું કહ્યું હતું.કેન્દ્રએ સીઆરપીએફને પંજાબના મુખ્ય પ્રધાન માનને તાત્કાલિક અસરથી અખિલ ભારતીય ધોરણે ‘ઝેડ ’ સુરક્ષા કવચ પ્રદાન કરવાનો નિર્દેશ આપ્યો હતો.

પંજાબ પોલીસ સુરક્ષા ઉપરાંત મુખ્યમંત્રીના ઘર અને નજીકના પરિવારના સભ્યોને સુરક્ષિત રાખવા માટે ઝેડ સુરક્ષા કવચ મંજૂર કરવામાં આવ્યું હતું. સરહદી રાજ્યમાં ખાલિસ્તાની પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને મુખ્ય પ્રધાનને ધમકીની ધારણા પર અહેવાલ તૈયાર કરતી વખતે કેન્દ્રીય ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા માન માટે આવા સુરક્ષા કવચની ભલામણ કરવામાં આવી હતી. આ માટે સીઆરપીએફ દ્વારા ૫૫ સશ જવાનોની ટીમ સીએમ માનના ઘરે મોકલવાની હતી.

મહત્ત્વનું છે કે, માર્ચમાં, ભગવંત માનની પુત્રીને કથિત રીતે ખાલિસ્તાન તરફી તત્વો તરફથી ધમકીભર્યા ફોન આવ્યા હતા. પટિયાલાના એક વકીલે દાવો કર્યો હતો કે માનની પુત્રી સીરત કૌર માન, જે યુએસમાં રહે છે, તેને કથિત રીતે ખાલિસ્તાની તરફી તત્વો દ્વારા ફોન કરાયો હતો અને અપશબ્દો બોલ્યા હતા. પંજાબમાં સ્વયંભૂ શીખ ઉપદેશક અને વારિસ પંજાબ દેના વડા અમૃતપાલ સિંહ અને તેના સહયોગીઓ પર કાર્યવાહી દરમિયાન આ ઘટના સામે આવી હતી. રાજ્ય પોલીસે અમૃતપાલ સિંહની ધરપકડ કરવા માટે મોટા પાયે સર્ચ અને કોર્ડન ઓપરેશન શરૂ કર્યું, જેણે બાદમાં મોગામાં આત્મસમર્પણ કર્યું.

સીએમ માનની સુરક્ષા ટીમે ગુરુવારે કેન્દ્ર સરકારને પત્ર લખીને કહ્યું છે કે તેમને પંજાબ અને દિલ્હીમાં ઝેડ સુરક્ષાની જરૂર નથી. તેમના માટે માત્ર પંજાબ અને સીએમની સુરક્ષાની વિશેષ ટીમ પૂરતી છે. આ નિર્ણયનું કારણ જણાવતા પત્રમાં લખવામાં આવ્યું છે કે પંજાબ અને દિલ્હીમાં બે સુરક્ષા વર્તુળો હોવાને કારણે મુશ્કેલી આવી શકે છે. ૨૫ મેના રોજ જ કેન્દ્ર સરકારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને ઝેડ પ્લસ સુરક્ષા આપવાનો આદેશ આપ્યો હતો.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વીવીઆઇપી સુરક્ષા સાથે જોડાયેલી ગુપ્તચર એજન્સીઓના રિપોર્ટના આધારે આ નિર્ણય લીધો છે. ઢ પ્લસ સુરક્ષા હેઠળ, મુખ્યમંત્રી ભગવંત માનની સુરક્ષા હેઠળ ૫૫ કમાન્ડો તૈનાત કરવાના હતા, જેમાં ૧૦થી વધુ એનએસજી કમાન્ડો સામેલ હોત. ગુપ્તચર એજન્સીઓએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને આપેલા રિપોર્ટમાં ખાલિસ્તાન સમર્થકો વિરુદ્ધ શરૂ કરવામાં આવેલા ઓપરેશનને કારણે સીએમ ભગવંત માનના જીવને જોખમ હોવાનું જણાવવામાં આવ્યું હતું.