ભગવાન આમ આદમી પાર્ટીને દેશની નંબર વન પાર્ટી બનાવવા માગે છે : અરવિંદ કેજરીવાલ

  • અત્યારે તમામ રાષ્ટ્રવિરોધી શક્તિઓ, જેઓ આ દેશની પ્રગતિ નથી ઈચ્છતા.

નવીદિલ્હી,આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળ્યા બાદ આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કાર્યકરોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, ભગવાન તેમની પાર્ટીને દેશમાં નંબર વન બનાવવા માગે છે. ૨૦૨૪ની લોક્સભા ચૂંટણી માટે પરોક્ષ રીતે સંદેશ આપતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે ’રાષ્ટ્ર વિરોધી’ શક્તિઓ તેમને રોકવા માગે છે. તેથી જે લોકો જેલ જવાથી ડરે છે તેમણે આમ આદમી પાર્ટી છોડી દેવી જોઈએ. કાર્યર્ક્તાઓને સંઘર્ષનો મંત્ર આપતા કેજરીવાલે કહ્યું કે, તેમના લોહીનું દરેક ટીપું દેશ માટે ઉપયોગી થશે.

અરવિંદ કેજરીવાલે આ પ્રસંગે જેલમાં બંધ મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનને પણ યાદ કર્યા અને કહ્યું કે, જો તેઓ ત્યાં હોત તો વધારે ખુશ થાત. કેજરીવાલે કહ્યું, ’તે દેશ માટે લડી રહ્યા છે. અત્યારે તમામ રાષ્ટ્રવિરોધી શક્તિઓ, જેઓ આ દેશની પ્રગતિ નથી ઈચ્છતા, તેઓ સાથે મળીને આમ આદમી પાર્ટીનો વિરોધ કરી રહ્યા છે. મનીષ સિસોદિયાનો શું વાંક. સિસોદિયાનો વાંક એ હતો કે તેમણે ગરીબોના બાળકોને સપના દેખાડ્યા. જૈન સાહેબનો વાંક એ હતો કે તેમણે કહ્યું કે, દરેકને સારી સારવાર મળવી જોઈએ. તેમણે દેશ માટે એક સ્વપ્ન જોયું હતું. પણ તે ગરીબ નથી, ભગતસિંહના શિષ્ય છે. તમામ રાષ્ટ્ર વિરોધી શક્તિઓ આમ આદમી પાર્ટીને રોકવા માંગે છે. પરંતુ ભગવાન અમારી સાથે છે.

કેજરીવાલે સંતોષ કોલી જેવા નેતાઓને યાદ કર્યા અને કહ્યું કે, આ સમગ્ર પ્રવાસમાં ઘણા એવા લોકો છે જેમણે ઘણો સંઘર્ષ કર્યો અને બલિદાન આપ્યા. ઘણા સાથીઓ માર્યા ગયા અને જેલમાં ગયા. એવા ઘણા લોકો છે સારી નોકરીઓ છોડીને અમારી સાથે જોડાયા છે. તેઓ બધા ખૂબ ખુશ છે કે જે રીતે દિલ્હી અને પંજાબમાં શાસનનું મોડેલ આપવામાં આવ્યું છે, તેના સપના પૂરા થઈ રહ્યા છે. કેજરીવાલે કહ્યું કે, આમ આદમી પાર્ટીના ત્રણ સ્તંભ કટ્ટર ઈમાનદારી, કટ્ટર દેશભક્તિ અને માનવતા છે. તેમણે કહ્યું કે, આમ આદમી પાર્ટીએ બતાવ્યું છે કે ઈમાનદારીથી ચૂંટણી જીતી શકાય છે અને સરકાર ચલાવી શકાય છે.

૨૦૨૪ અથવા લોક્સભા ચૂંટણીનો ઉલ્લેખ કર્યા વિના અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભગવાન તેમની પાર્ટીને ભારતને નંબર વન દેશ બનાવવાનું કામ સોંપવા માગે છે. તેમણે કહ્યું, ’ભગવાન આપણને કંઈક કરવા માટે પ્રયત્ન કરે છે. આપણા સૌનું સપનું છે કે, ભારત વિશ્ર્વનો નંબર વન દેશ બને. આપણા લોકો પાસે ક્ષમતા છે. ભગવાન આપણા જ હાથે ભારતને વિશ્ર્વનો નંબર વન દેશ બનાવવા માગે છે. તમે દેશની રાજનીતિને નવી દિશા આપી છે. તેમણે કહ્યું કે તમારા કારણે જ હવે તમામ પક્ષો શિક્ષણ, હોસ્પિટલ અને મફત વીજળીની વાત કરવા લાગ્યા છે.