પુણે,
કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી રામદાસ અઠાવલેએ તાજેતરમાં સમગ્ર દેશમાં બહુચચત પઠાન ફિલ્મના વિવાદને લઈને રવિવારે કહ્યું કે, તેમની પાર્ટીને શાહરુખ ખાનની ફિલ્મ પઠાનના ગીત બેશરમ રંગથી કોઈ વાંધો નથી. તેમણે આગળ કહ્યું કે, ભગવો ફક્ત ભાજપ અથવા શિવસેનાનો રંગ નથી, પણ આ ગૌતમ બુદ્ધે પહેરેલા કપડાનો રંગ છે. જો તેમણે ’બેશરમ’ શબ્દ હટાવ્યો નહીં, તો અમારી પાર્ટી પણ ફિલ્મની વિરુદ્ધમાં આંદોલન કરશે.
પુણેમાં પત્રકારો સાથે વાત કરતા રિપબ્લિકન પાર્ટી ઓફ ઈંડિયાના પ્રમુખે કહ્યું કે, તેમને ’પઠાન’ ફિલ્મથી કોઈ સમસ્યા નથી, સિવાય કે ફિલ્મના ગીતમાં ઉપયોગ લેવાતા ’બેશરમ’ રંગ શબ્દથી. કેન્દ્રીય મંત્રીએ ગીતમાં ઉપયોગમાં લેવાતા શબ્દ પર વાંધો ઉઠાવતા કહ્યું કે, આ ગૌતમ બુદ્ધે પહેરેલા કપડાનો રંગ છે. લગભગ ૨૫૦૦ વર્ષ પહેલા તે શાંતિના રંગ તરીકે ઊભરી આવ્યો હતો. એટલા માટે આ ’બૌદ્ધ ધર્મ’નું અપમાન છે.અઠાવલેએ કહ્યું કે, જો ’બેશરમ’ શબ્દ નહીં હટાવામાં આવે તો, અમારી પાર્ટી ફિલ્મની વિરુદ્ધ આંદોલન કરશે. તેમણે કહ્યું કે, કોઈ પણ રંગ ’બેશરમ’ નથી હોતો અને આ પ્રકારના સંદર્ભને હટાવી દેવા જોઈએ.
અહીં ઉલ્લેખનિય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી ’પઠાન’ના ’બેશરમ રંગ’ ગીતને લઈને વિવાદ છંછેડાયેલો છે. ગીતમાં દીપિકા પાદુકોણ એક સીનમાં ’ભગવા’ કપડા પહેરેલા દેખાય છે. આ વાતને લઈને મધ્યપ્રદેશના મંત્રી નરોત્ત મિશ્રાએ વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ગીતમાં ઉપયોગમાં લેવાયેલ વેશભૂષા પ્રથમ દ્રષ્ટિએ વાંધાજનક છે. સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, દૂષિત માનસિક્તાના કારણે તે ફિલ્માવામાં આવ્યું છે.