રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે ગુરુવારે મંદિર-મસ્જિદ વિવાદ ફરી ઊભો થવાથી ચિંતા વ્યક્ત કરી હતી. ભાગવતે કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ કેટલાક લોકો માને છે કે તેઓ આવા મુદ્દા ઉઠાવીને હિન્દુઓના નેતા બની જશે. આ સ્વીકારી શકાય નહીં.ભાગવતે કહ્યું- ભારતે બતાવવાની જરૂર છે કે આપણે સાથે રહી શકીએ છીએ. અમે લાંબા સમયથી સદભાવના સાથે રહીએ છીએ. જો આપણે દુનિયાને આ સદભાવના આપવા ઇચ્છીએ છીએ, તો આપણે તેનું એક મોડલ બનાવવાની જરૂરિયાત છે.
ભાગવતે પૂણેમાં સહજીવન વ્યાખ્યાન શ્રેણીમાં ભારત વિશ્વગુરુ પર પ્રવચન આપતાં આ વાતો કહી હતી. કોઈ ચોક્કસ સ્થળનું નામ લીધા વિના તેમણે કહ્યું, ‘દરરોજ એક નવો મામલો (વિવાદ) ઊભો થઈ રહ્યો છે. આને કેવી રીતે મંજૂરી આપી શકાય? તાજેતરના સમયમાં, મંદિરો શોધવા માટે મસ્જિદોના સર્વેક્ષણની અનેક માંગણીઓ કોર્ટમાં પહોંચી છે. જોકે, ભાગવતે પોતાના લેક્ચરમાં કોઈનું નામ લીધું ન હતું.
ભારતીય સમાજની વિવિધતાને ઉજાગર કરતા ભાગવતે કહ્યું કે રામકૃષ્ણ મિશનમાં નાતાલની ઉજવણી કરવામાં આવે છે. આ ફક્ત આપણે જ કરી શકીએ છીએ, કારણ કે આપણે હિંદુ છીએ.
તેમણે કહ્યું, અમે લાંબા સમયથી સુમેળમાં રહીએ છીએ. જો આપણે વિશ્વને આ સદભાવના આપવી હોય, તો આપણે તેને મોડેલ બનાવવાની જરૂર છે. રામ મંદિરનું નિર્માણ એટલા માટે થયું કારણ કે તે તમામ હિન્દુઓની આસ્થાનો વિષય હતો.ભાગવતે આગળ કહ્યું – બહારથી કેટલાંક જૂથો તેમની સાથે કટ્ટરતા લાવ્યાં છે અને તેઓ ઇચ્છે છે કે તેમનું જૂનું શાસન પાછું આવે. પરંતુ હવે દેશ બંધારણ પ્રમાણે ચાલે છે. આ સિસ્ટમમાં લોકો તેમના પ્રતિનિધિઓ પસંદ કરે છે, જેઓ સરકાર ચલાવે છે.
રામ મંદિર પર બોલતા તેમણે કહ્યું કે અયોધ્યામાં રામ મંદિર હિંદુઓને આપવાનું નક્કી થયું હતું, પરંતુ અંગ્રેજોને આ વાતનો અહેસાસ થયો અને તેમણે બંને સમુદાયો વચ્ચે તિરાડ ઊભી કરી. ત્યારથી અલગતાવાદની આ લાગણી અસ્તિત્વમાં આવી. પરિણામે પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું.
મોહન ભાગવતે એમ પણ કહ્યું કે ભારતમાં લઘુમતીઓના દરજ્જાની વારંવાર ચર્ચા થાય છે. હવે આપણે જોઈ રહ્યા છીએ કે અન્ય દેશોમાં લઘુમતી સમુદાયો કેવા પ્રકારની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે.જો કે આરએસએસના વડાએ પાડોશી દેશ બાંગ્લાદેશમાં હિંદુ સમુદાય સામે હિંસાનો કોઈ ઉલ્લેખ કર્યો ન હતો, પરંતુ શેખ હસીના સરકારની હકાલપટ્ટી બાદ તાજેતરનાં સપ્તાહોમાં તે દેશમાં હિન્દુઓની સ્થિતિ અંગે આરએસએસે ચિંતા વ્યક્ત કરી છે.
એસપી સાંસદ મોહીબુલ્લા નદવીને જ્યારે મોહન ભાગવતના નિવેદન સાથે સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે કહ્યું, “અત્યાચાર વધી રહ્યા છે, તેમાં કોઈ તથ્ય નથી. ભાજપ જૂઠનો આશરો લે છે. ભાજપ જે કરે છે તે ખેદજનક છે.”કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે મોહન ભાગવતના નિવેદન પર કહ્યું, “હું ભાગવત જીના નિવેદન સાથે સંપૂર્ણ રીતે સહમત છું. બધી મસ્જિદોની નીચે શિવલિંગ શોધવાની જરૂર નથી. ઈતિહાસમાં ઘણું બધું થયું છે, 21મી સદીમાં આગળ વિચારવાનો સમય આવી ગયો છે. ભારત વિશે વિચારવાનો સમય આવી ગયો છે.
સપાના સાંસદ ધર્મેન્દ્ર યાદવે કહ્યું, “મોહન ભાગવત, તમે ભાજપને કેમ નિયંત્રિત નથી કરી રહ્યા? અમે કૈલાશ માનસરોવરને ચીનથી મુક્ત કરાવવા માટે આહ્વાન કરીએ છીએ. જો અમે તે કરી શકીશું તો તે મોટી વાત હશે. દરેક મસ્જિદમાં આ લોકો વિવાદ ઊભો કરે છે.
કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ કહ્યું, “શબ્દ અને કાર્યોમાં કોઈ ફરક ન હોવો જોઈએ. સૂચન સારું છે પરંતુ આ સલાહ એવા લોકોને આપવી જોઈએ જેઓ સંયમ જાળવવા અને ભારતના કાયદામાં વિશ્વાસ રાખવા અને કાયદાકીય વ્યવસ્થાને અનુસરવા માટે આ બધું કરે છે. “