ભાગલપુર, બિહારના ભાગલપુરની આ ઘટના છે. ૨૯ એપ્રિલ રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો. જેમાં છ જાનૈયાઓના મોત થયા હતા. આ ઘટનામાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ તમામ લોકો સ્કોપયોમાં સવાર થઈને લગ્નમાં જઇ રહ્યા હતા. સ્કોપયોમાં ડ્રાઈવર સહિત કુલ ૯ લોકો મુસાફરી કરી રહ્યા હતા. જે દરમિયાન એનએચ૮૦ પર ઘોઘા પોલીસ સ્ટેશન વિસ્તારના અમાપુર ગામ નજીક એક સ્કોપયો પર ટ્રક પલટતા ચકચાર મચી ગઇ હતી. ક્ષણભરમાં ખુશીનું વાતાવરણ શોકમાં ફેરવાઈ ગયું.
સૂત્રોના જણાવ્યા અનુસાર કારમાં સવાર લોકો જાનૈયા હતા. તેઓ મુંગેરના ધાપરીથી કહલગાંવના શ્રીમતપુર જઈ રહ્યા હતા. અહેવાલો અનુસાર, સળિયાઓથી ભરેલી એક ઝડપી ટ્રક, ટાયર ફાટવાને કારણે પલટી ગઈ અને કાર પર પડી હતી. સ્થાનિક સત્તાવાળાઓ અને રહેવાસીઓ પીડિતોના નશ્ર્વર અવશેષોને બહાર કાઢવા માટે અથાક મહેનત કરી હતી. સોમવારે મોડી રાત સુધી બચાવ કામગીરી ચાલુ રહી હતી.