નગરદેવી ભદ્રકાળી માતાના દર્શને જવા લોકોએ વિચાર કરવો પડે એવી સ્થિતિ છે. આશરે 20 કરોડના ખર્ચે તૈયાર થયેલા ભદ્ર પ્લાઝામાં એટલી હદે દબાણ થઈ ગયું છે કે, રજાના દિવસે પણ ચાલીને ત્યાં પહોંચવું મુશ્કેલ હોય છે. અહીં અંદાજે 3 હજાર ગેરકાયદે દબાણ છે. અમદાવાદ મ્યુનિ. એ છેલ્લા દોઢ મહિનાથી દબાણ દૂર કરવાની ડ્રાઈવ શરૂ કરી છે, પણ ત્યાં જેમની તેમ સ્થિતિ છે. મ્યુનિ. એસ્ટેટ વિભાગના ચેરમેન દેવાંગ દાણી કહે છે કે, દબાણ દૂર કરી લાલદરવાજાથી વાયા ત્રણ દરવાજા અને ગાંધી રોડ થઈ કાલુપુર સુધી બસ દોડાવવાનું આયોજન છે. જ્યારે મ્યુનિ. અધિકારીઓ કહે છે કે, પોલીસ તરફથી સહકાર મળતો નથી. આ કારણે મ્યુનિ.ને દબાણ દૂર કરવામાં સફળતા મળતી નથી. આ રૂટ ઉપર 6 વર્ષ પહેલા મફત બસ સેવા ચાલુ હતી.
દોઢ મહિના અગાઉ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી નગરદેવીના દર્શન કરવા આવ્યા હતા ત્યારે તેમને દર્શનાર્થીઓ અને કાર્યકર્તાઓએ દબાણ અંગેની ફરિયાદ કરી હતી. મ્યુનિ. અધિકારીઓ કહે છે કે, અહીં ગેરકાયદે બેસતા ફેરિયાઓનો ત્રાસ છે. ફેરિયાઓ પાસેથી પોલીસ, સ્થાનિક ગુંડાઓ અને નેતા પ્રોટેક્શન મની વસૂલે છે. મ્યુનિ. પગલાં લેવા જાય ત્યારે તેમને બચાવી લેવામાં આવે છે. મ્યુનિ. અધિકારીએ કબૂલ્યું કે, આ વિસ્તારમાં તમામ પ્રકારના ગેરકાયદે કામો થઈ રહ્યાં છે.
મ્યુનિ. રિપોર્ટ મુજબ સેવા સંસ્થાએ હાઈકોર્ટમાં રિટ તથા પીઆઈએલ કરી હતી. કોર્ટના માર્ગદર્શન મુજબ ઓગસ્ટ-2015 બાદ ખમાસા ચાર રસ્તાથી ભદ્ર પ્લાઝામાં પ્રવેશતા ડાબી અને જમણી બાજુ એમ બે ભાગ પાડી સેવા અને સેલો સંસ્થાના ફેરિયાને ધંધો કરવા આશરે 4X5.5 ફૂટ જગ્યા અપાઈ હતી. સેવા સંસ્થાના 372 અને સેલો સંસ્થાના 472 વેન્ડર્સના નકશા મુજબ પટ્ટા પાડવામાં આવ્યા હતા. જોકે સેલો સંસ્થાએ હજુ સુધી નકશો ફાઈનલ કરીને આપ્યો નથી. મ્યુનિ. અધિકારીઓના રિપોર્ટમાં નોંધ્યું છે કે, હાલમાં નોંધાયેલ ફેરિયા ઉપરાંત વધારાના ફેરિયા ત્યાં ધંધો કરે છે.
ચંદ્રપ્રકાશ દવે વર્ષ 2016-17 દરમિયાન એએમટીએસના ચેરમેન હતા ત્યારે ભદ્રકાળી એક્સપ્રેસ અને બાલાહનુમાન એક્સપ્રેસ બસ શરૂ કરવામાં આવી હતી. આ બસની મુસાફરી મફત હતી અને હાથ ઊંંચો કરો ત્યાં ઊભી રહી જતી હતી. ભદ્રકાળી એક્સપ્રેસનો રૂટ ભદ્રકાળી મંદિરથી ત્રણ દરવાજા, ગાંધીરોડ, ખાડિયા ચાર રસ્તા, પાંચકુવા, કાલુપુર રેલવે સ્ટેશનથી યુ ટર્ન લઈ ઝકરિયા મસ્જિદ, કાલુપુર પોલીસ સ્ટેશન, રિલીફ રોડ, રતનપોળ, ઘી કાંટા ચાર રસ્તા, વીજળી ઘર થઈ પરત ભદ્રકાળી મંદિર પહોંચતી હતી. પરંતુ એ પછી એકાએક આ રૂટ પરની બસ સેવા બંધ કરી દેવામાં આવી હતી.
એએમટીએસના વર્તમાન ચેરમેન વલ્લભભાઈ પટેલે કહ્યું કે, પહેલા રિલીફ રોડ અને પછી ગાંધી રોડ રૂટ ઉપર ટ્રાયલ લેવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે. આ રૂટ ઉપર મિની બસ શરૂ કરવામાં આવશે.