ગાંધીનગર, કચ્છના ભચાઉમાં એક હત્યાના કેસમાં પોલીસ તપાસમાં બેદરકારી રાખનાર કચ્છના પોલીસ અધિકારી સામે કાર્યવાહી થશે. ભચાઉ પોલીસની કામગીરી સામે હાઈકોર્ટ લાલઘૂમ છે. આ કેસમાં હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કચ્છના રેન્જ આઇજી જે. આર. મોથલિયા અને ગાંધીધામ એસપી કોર્ટમાં રૂબરૂ હાજર રહ્યા હતા. ત્યારે આ હત્યા કેસમાં કથિત રીતે નિર્દોષ વ્યક્તિનું નામ નખતાં હાઇકોર્ટે પોલીસ અને રાજ્ય સરકાર બંનેને ફટકાર લગાવી છે.
ભચાઉમાં થયેલી હત્યાના કેસમાં એક નિર્દોષ વ્યક્તિની ધરપકડની ઘટનાની ગંભીરતા જોઈ હાઇકોર્ટે આઇજી, કચ્છ એસપી સહિતના અધિકારીઓને તાત્કાલિક કોર્ટમાં બોલાવ્યા હતા. હાઇકોર્ટે આ મામલે જણાવ્યુ હતુ કે પોલીસની કામગીરીથી લોકોનો વિશ્ર્વાસ વધવો જોઈએ, પરંતુ હાલ અધિકારી કલંક લાગે તેવું કામ કરી રહ્યા છે. સાથે જ તેમણે સવાલ કર્યા હતા કે શું આઇજી એટલા વ્યસ્ત છે કે તેઓ ફોન ઉપાડી શક્તા નથી? શું એસપી એટલા બધા ગભરાય છે કે આઇજી સાથે વાત કરતા બીક લાગે છે ?
આ સાથે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવી હતી અને જણાવ્યુ હતુ કે પોલીસની કામગીરીથી લોકો વિશ્ર્વાસ વધવો જોઈએ, ઘટવો નહી. તો હાઇકોર્ટની ફટકાર બાદ પોલીસ અધિકારીઓના બેજવાબદાર વર્તન સામે રાજ્ય સરકારે હાઇકોર્ટને આસ્વસ્થ કરી છે. તપાસમાં રહેલી ક્ષતિઓ અંગે હાઈ લેવલ ઇક્ધવાયરી કરાશે તેવી કોર્ટને ખાતરી આપી છે. રાજ્ય સરકારે જણાવ્યુ છે કે એસપી હોય કે આઇજી જ્યારે કોર્ટ કોઈ હુકમ અથવા નિર્દેશ આપે તેના પર તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે. અધિકારીઓ કોઈ પણ સ્થળે અથવા કામમાં કેમ ના હોય, કોર્ટનું સન્માન ખૂબ જરૂરી છે.
બીજી તરફ કેસની તપાસ માટે રાજ્ય સરકારે હાઇકોર્ટ પાસે સમય માગ્યો છે અને રેન્જ આઇજીને કેસની તપાસ માટે પણ જાણ કરી હોવાની મૌખિક જાણકારી રાજ્ય સરકારે કોર્ટને આપી છે. તો પોલીસ ઇન્સ્પેક્ટરે તપાસના પૂરતા કાગળો ચાર્જશીટની સાથે શા માટે કોર્ટમાં તત્કાલ રજૂ નહોતા કર્યા અને અન્ય કયા પરિબળોના દબાણમાં આ પગલાં લેવાયા તેની વિસ્તૃત તપાસ થશે.