’ભાબીજી ઘર પર હૈ’ના ઈશ્ર્વર ઠાકુરની હાલત ગંભીર

  • પેશાબ પર કંટ્રોલ નથી, ડાયપર ખરીદવાના પૈસા નથી તો જૂના ન્યૂઝ પેપરનો ઉપયોગ કરે છે.

મુંબઈ,

ટીવી એક્ટર ઈશ્ર્વર ઠાકુરે એફઆઇઆર, ’ભાબીજી ઘર પર હૈ’, ’જીજા જી છત પર હૈ’, ’મે આઇ કમ ઇન મેડમ’ સહિતની સિરિયલમાં કામ કર્યું છે. કોરોનાકાળથી ઈશ્ર્વર ઠાકુરની આર્થિક સ્થિતિ ઘણી જ ખરાબ છે. ઈશ્ર્વર ઠાકુરની આર્થિક સ્થિતિ બદથી બદતર થઈ રહી છે. નોંધનીય છે કે ’ભાબીજી ઘર પર હૈ’માં ઈશ્ર્વર ઠાકુરે અનુરાગનો રોલ પ્લે કર્યો હતો. ઈશ્ર્વર ઠાકુરે એફઆઇઆરમાં ગોલુનો રોલ પ્લે કર્યો હતો. ઈશ્ર્વર ઠાકુરને કિડનીની બીમારી છે. આ જ કારણે ઈશ્ર્વરને યુરીન લોની સમસ્યા છે. પગમાં પણ સોજા આવી ગયા છે.

ઈશ્ર્વરની આર્થિક સ્થિતિ એ હદે ખરાબ છે કે તેની પાસે ડાયપર ખરીદવાના પૈસા નથી. આથી જ તે જૂના ન્યૂઝપેપરથી કામ ચલાવે છે. તે ડૉક્ટર પાસે સારવાર કરાવવા પણ જઈ શકે તેમ નથી. ઈશ્ર્વર ઠાકુર પહેલાં આયુર્વેદિક સારવાર કરાવતો હતો, પરંતુ હવે પૈસા ના હોવાથી આયુર્વેદિક સારવાર કરાવવાની બંધ કરી દીધી છે.

ઈશ્ર્વર ઠાકુરે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેના પરિવારમાં માતા છે. માતા બહેનના ઘરે રહે છે. તેના જીજાજી મહિને ૨૦ હજાર કરતાં પણ ઓછા રૂપિયા કમાય છે. જીજા ને બહેન જ માતાનું યાન રાખે છે. એક ભાઈ છે. તેને નાસિક નજીકના આશ્રમમાં દાખલ કરવામાં આવ્યો છે. તે સિઝોફ્રેનિયાનો પેશન્ટ છે. પહેલાં ગર્વમેન્ટ હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી, પરંતુ પછી ડૉક્ટર્સે પણ સારવાર કરવાની ના પાડી દીધી હતી. આશ્રમમાં ત્રણ હજાર રૂપિયા દર મહિને ભરવાના હોય છે, પરંતુ હાલમાં આટલા પૈસા પણ ભરી શકાય તેમ નથી.ઈશ્ર્વર ઠાકુરની માતા હાર્ટ પેશન્ટ છે. તેમની હાલત પણ સારી નથી. તે પલંગ પરથી ઊભા થઈ શક્તા થી.

ઠાકુરે કહ્યું હતું કે તે બીમાર હોવાથી પ્રોડ્યૂસર્સ તેને કામ આપતા નથી. તેણે ઓડિશન આપ્યા હતા, પરંતુ પ્રોડ્યૂસર્સને તેની તબિયતની જાણ હોવાથી તેઓ કામ આપવાનું ટાળે છે. તેઓ એમ વિચારે છે કે સેટ પર તેને કંઈ થયું તો જવાબદાર કોણ? વધુમાં ઈશ્ર્વરે કહ્યું હતું કે ઇન્ડસ્ટ્રીના મિત્રો ને તેના કો-સ્ટાર્સ તેને આર્થિક મદદ કરી હતી. જોકે, કોરોનાકાળ પૂરો થતાં જ આ મદદ પણ બંધ થઈ ગઈ હતી.ઠાકુરે વ્યથિત સ્વરે કહ્યું હતું કે તેની હાલત ઘણી જ ગંભીર છે. તેને લાગે છે કે આવા જીવન કરતાં તો મોત વધુ સારું, પરંતુ તે માતા ને ભાઈને આવી સ્થિતિમાં એકલા મૂકી શકે તેમ નથી. તે હજી પણ જીવન સામે લડે છે.

૨૦૨૧માં સોનુ સૂદે ઈશ્ર્વર ઠાકુરને આર્થિક મદદ કરી હતી. તે સમયે ઈશ્ર્વર ઠાકુરે કહ્યું હતું કે તેને ’ભાબીજી ઘર પર હૈ’ની પ્રોડ્યૂસર બેનિફર કોહલી, સનંદ શર્મા, કવિતા કૌશિક, કિકુ શારદા, રાઇટર મનોજ સંતોષી જેવા સેલેબ્રેટે આર્થિક મદદ કરી હતી. સોનુ સૂદના ફાઉન્ડેશન પણ હેલ્પ કરી હતી. આ ઉપરાંત આશા પારેખની સ્વૈચ્છિક સંસ્થા દર મહિને પાંચ હજાર રૂપિયા આપે છે.