ભાભી અને તેના માસૂમ પુત્ર, પુત્રીની હત્યા કરી ઘરમાં લાશ સળગાવી

પુણે,પુણેમાં પોતાની ભાભીને સંતાનો સાથે ભગાડી આવેલા યુવકને બાદમાં ભાભીના અન્યો સાથે પણ સંબંધ હોવાની શંકા જાગી હતી. શંકાશીલ દિયરે ભાભી ઉપરાંત તેના પુત્ર તથા પુત્રીની પણ ગળું દબાવી હત્યા કરી હતી અને ત્રણેયની લાશ સળગાવી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મૂળ લાતુરના ૩૦ વર્ષીય વૈભવ વાઘમારે નો તેની ભાભી આમ્રપાલી વાઘમારે (ઉં. વ. ૨૫) સાથે પ્રેમસંબંધ હતો. આમ્રપાલી તેના ચાર વર્ષીય પુત્ર આદિત્ય અમે છ વર્ષીય પુત્રી રોશનીને લઈને દિયર વૈભવ સાથે ઘરેથી નાસી ગઈ હતી.

કોંઠવાના પિસોળીમાં ફરિયાદીના ઘરે તેઓ ભાડા પર રહેતા હતા, પરંતુ આમ્રપાલીના અન્ય યુવક સાથે પણ અનૈતિક સંબંધ હોવાની વૈભવને શંકા હતી. આથી બને વચ્ચે ઝઘડો થતો હતો. ફરી તેમના વચ્ચે બોલાચાલી થતા વૈભવે ઘરમાં આમ્રપાલીની ગળું દબાવીને હત્યા કરી હતી. તે સમયે રોશની અને આદિત્ય રડતા હતા. નરાધમે બન્ને માસૂમને પણ ગળું દબાવીને મારી નાખ્યા હતા. બાદમાં પતરાના શેડમાં કપડા, ચાદર, લાકડાથી ત્રણ જણની લાશ સળગાવી દીધી હતી. આરોપી ઘટના સ્થળેથી નાસી ગયો હતો. સ્થાનિક રહેવાસીને બનાવની જાણ થતા પોલીસને માહિતી આપી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ફરાર આરોપીને પકડી લીધો હતો.