બેતુલ, મધ્યપ્રદેશના બેતુલમાં મતદાન કર્મચારીઓને પરત લાવવાની બસમાં આગ લાગી હતી. આ બસ છ મતદાન મથકોના મતદાન સામગ્રી અને કર્મચારીઓને લઈને બેતુલ જિલ્લા મુખ્યાલય આવી રહી હતી, ત્યારે આ ઘટના બની હતી. ચૂંટણી પૂર્ણ કરીને પરત ફરી રહેલા મતદાન કાર્યકરોએ પણ સળગતી બસમાંથી કૂદીને માંડ માંડ પોતાનો જીવ બચાવ્યો હતો. ડ્રાઇવરે પણ સળગતી બસમાંથી છલાંગ લગાવી દીધી હતી. આ અકસ્માતમાં તમામ મતદાન કર્મચારીઓ સુરક્ષિત છે.
મળતી માહિતી મુજબ, આ અકસ્માત સાઈખેડા પોલીસ સ્ટેશન વિસ્તારના બિસનૂર અને પૌની ગૌલા ગામની વચ્ચે થયો હતો, જેની માહિતી મળતાં જ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બેતુલ, મુલતાઈ અને આથનેરથી ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી. ફાયર ફાઈટરોએ બસની આગને કાબુમાં લીધી હતી અને અંદર રાખેલી મતદાન સામગ્રીને બહાર કાઢી હતી. મતદાન કર્મચારીઓ અને ઈવીએ વીવીપીએટી મશીનો લાવવા માટે બીજી બસની વ્યવસ્થા કરવામાં આવી હતી.
સમગ્ર મામલે બેતુલના એસપી નિશ્ર્ચલ ઝારિયાએ જણાવ્યું કે, મતદાન કર્મચારીઓ છ મતદાન મથકોના ઈવીએમ સાથે રવાના થઈ ગયા હતા, પરંતુ કેટલીક ટેકનિકલ ખામીના કારણે બસમાં આગ લાગી હતી. બે ઈફસ્ સંપૂર્ણપણે સલામત છે, જ્યારે અન્ય ચારને થોડું નુક્સાન થયું છે. બસમાં ૩૬ લોકો સવાર હતા. બસના દરવાજા જામ હોવાના કારણે તેઓ કોઈક રીતે બારી તોડીને બસમાંથી બહાર આવ્યા હતા. તેને કોઈ ઈજા થઈ નથી. હાલમાં આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે.