બેશરમીની પરાકાષ્ઠા‘, રાહુલ ગાંધીની ફ્લાયિંગ ક્સિ પર ભાજપની મહિલા સાંસદોએ અધ્યક્ષને ફરિયાદ કરી

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની ફ્લાઈંગ કિસને લઈને લોકસભામાં હોબાળો થયો છે. બુધવારે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધીએ ગૃહની બહાર જતા સમયે ફ્લાઈંગ કિસ માટે ઈશારો કર્યો હતો, જ્યાં તે સમયે મહિલા સાંસદો બેઠી હતી. સ્મૃતિના આરોપ બાદ રાહુલ ગાંધી પર ભાજપ દ્વારા પ્રહારો કરવામાં આવ્યા છે અને હવે તેમની સામે સત્તાવાર ફરિયાદ કરવામાં આવી છે.

લગભગ 22 મહિલા સાંસદોએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખ્યો છે, જેમાં તેમણે રાહુલ ગાંધી દ્વારા ફ્લાઈંગ કિસના ઈશારા પર કાર્યવાહીની માંગ કરી છે. ઘણા સાંસદોએ તેના પર હસ્તાક્ષર કર્યા છે.

આ સિવાય મહિલા સાંસદોએ નિવેદનો દ્વારા કોંગ્રેસના સાંસદને ઘેર્યા છે. બીજેપી સાંસદ પૂનમ મહાજને કહ્યું કે રાહુલ ગાંધીને તાત્કાલિક ગૃહમાંથી હાંકી કાઢવા જોઈએ, જ્યારે સુનીતા દુગ્ગલે કહ્યું કે આજે જે કોઈ પરિણામ આવ્યું છે તેનુ કારણ રાહુલનો ઉછેર પશ્ચિમી શૈલીમાં થયો છે તે છે.

પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે પણ, રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ સંસદમાં જે વર્તન બતાવ્યું તે શિષ્ટાચારની વિરુદ્ધ છે અને બેશરમીની હદ છે. શું સંસદમાં કોઈ ફ્લાઈંગ કિસ આપે છે, રાહુલ ગાંધીએ ભારત માતાની હત્યાની વાત ન કરવી જોઈએ કારણ કે તે અજય અને અમર છે.

ગૃહમાંથી બહાર નીકળ્યા બાદ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે રાહુલ ગાંધીએ આજે ​​સંસદમાં જે કર્યું તે ઈતિહાસમાં ક્યારેય બન્યું નથી. અમે સાંભળ્યું હતું કે રસ્તા પર આવું થાય છે, પરંતુ હવે સંસદની અંદર પણ એવું જ થવા લાગ્યું છે.