બેંગલુરુ બાદ ચેન્નાઈમાં જળસંકટ, સૌથી મોટું તળાવ પણ તળિયાઝાટક

ચેન્નાઈ, બેંગલુરુની તરસ હજુ છીપાઈ નથી ત્યારે દેશના બીજા આઈટી હબ ચેન્નાઈમાં પાણી સુકાવા લાગ્યું છે. અહીંની સૌથી મોટું અને ૪૩ ટકા વસ્તીની તરસ છીપાવતું વીરાનમ તળાવ હવે સુકાઈ ગયું છે. માત્ર કેટલાંક તળાવોમાં જ પાણી બચ્યું છે. ગયા વર્ષે જુલાઈમાં પણ આવી સ્થિતિ સર્જાઈ હતી.

આ વખતે ત્રણ મહિના પહેલાં સ્થિતિ વણસી છે. ૨૮ ફેબ્રુઆરીથી વીરાનમ તળાવમાંથી સપ્લાય બંધ છે. ચેન્નાઈ મેટ્રોપોલિટન વોટર સપ્લાય એન્ડ સીવરેઝ બોર્ડે તેને ‘મૃત’ જાહેર કર્યું છે. બોર્ડ મુજબ, ગયા વર્ષે આ જ સમયે તળાવમાં ૭૭૩.૯૫ મિલિયન ક્યુબિક મીટર (એમસીએફટી) પાણી હતું. તેની ક્ષમતા ૧,૪૬૫ એમસીએફટીની છે. પાણીના સંગ્રહના અન્ય સ્ત્રોતો ની હાલત પણ દયનીય છે. તેથી સપ્લાય ઘટાડી દેવાયો છે. એક દિવસ બાદ પાણી મળી રહ્યું છે. ભૂગર્ભજળમાં પણ અછત જોવા મળે છે.

ચેન્નાઈમાં સપાટીનું પાણી સંપૂર્ણપણે સુકાઈ જવાના આરે છે. ભૂગર્ભ જળ પણ ઝડપથી ઘટી રહ્યું છે. હાલમાં, ૧૩.૨૨૨ ટીએમસી ભૂગર્ભજળ સંગ્રહની જરૂર છે, પરંતુ માત્ર ૭.૭૪૬ ટીએમસી બાકી છે. ગયા વર્ષે ૯.૨૬૨ ટીએમસી હતું. ચેન્નાઈના પડોશી શહેર મેદાવક્કમના બોરવેલ એપ્રિલમાં જ સુકાઈ ગયા છે. આ વિસ્તારમાં નાનમંગલમ રિઝર્વ ફોરેસ્ટ હોવા છતાં અહીં ભૂગર્ભ જળનું સ્તર ઝડપથી તળિયે ગયું છે. લોકો ટેન્કરો થી કામ ચલાવી રહ્યા છે. તેના રેટ ૧૫૦૦ રૂપિયા સુધી છે.

ચેન્નાઈના ૯૦ લાખ લોકોની તરસ છીપાવવા માટે દર મહિને ૨૨૩૨ મિલિયન લિટર પાણી (એમએલડી)ની જરૂર પડે છે, જ્યારે બોર્ડ માત્ર ૧૦૭૦ એમએલડી આપવા સક્ષમ છે. આઈઆઈટી મદ્રાસ અને અન્ના યુનિવર્સિટી એ ગયા વર્ષે ચેન્નાઈના જળસંકટ પર અભ્યાસ કર્યો હતો. આ મુજબ ૨૦૧૯માં માગ અને પુરવઠા વચ્ચેનો તફાવત ૫૨૫ એમએલડી હતો જે હવે ૮૫૨ એમએલડી છે. ૨૦૩૦માં દરરોજ ૨૩૬૫ એમએલડી માગ રહેશે. અન્ના યુનિવર્સિટી ના સેન્ટર ફોર ક્લાઈમેટ ચેન્જ રિસર્ચના પૂર્વ ડિરેક્ટર કે. પલાનીવેલીના જણાવ્યા અનુસાર, પાણીના દુરુપયોગ અને જળવાયુ પરિવર્તનને કારણે સ્થિતિ વધુ વણસી શકે છે. ચેન્નાઈમાં ટૂંક સમયમાં ‘ઝીરો વોટર ડે’ પણ શક્ય બનશે.