
બેંગલુરુ, કર્ણાટકની રાજધાની અને આઈટી હબ તરીકે પ્રખ્યાત બેંગલુરુમાંથી ડબલ મર્ડરની એક ખૂબ જ સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં વર્ષો જૂની ટેક કંપની એરોનિક્સ ઈન્ટરનેટના ભૂતપૂર્વ કર્મચારીએ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પર તેમની ઓફિસમાં ઘૂસીને તલવાર વડે હુમલો કર્યો હતો. આ માહિતી આપતાં પોલીસે જણાવ્યું કે, કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર ફણીન્દ્ર સુબ્રમણ્યમ અને સીઈઓ વેણુ કુમારનું હોસ્પિટલ લઈ જતી વખતે મોત થઈ ગયું હતું.
ડીસીપી નોર્થ ઈસ્ટ, બેંગલુરુ, લક્ષ્મી પ્રસાદે જણાવ્યું હતું કે આ ઘટના પમ્પા એક્સટેન્શન અમૃતહલ્લીના ૬ઠ્ઠા ક્રોસ ખાતે બની હતી. આરોપી ફેલિક્સ એરોનિક્સ ઈન્ટરનેટ કંપનીનો ભૂતપૂર્વ કર્મચારી હોવાનું કહેવાય છે. તેના ભૂતપૂર્વ બોસ પર ખૂની હુમલો કર્યા પછી તે ગુનાના સ્થળેથી ભાગી ગયો. પોલીસ હાલ તેને શોધી રહી છે. જણાવાઈ રહ્યું છે કે આરોપી ટેક-સંબંધિત વ્યવસાય પણ ચલાવતો હતો. માર્યા ગયેલા બંને અધિકારીઓ તેના ખાનગી ધંધામાં આડખીલી સમાન હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી ફેલિક્સ એરોનિક્સ કંપનીનો ભૂતપૂર્વ કર્મચારી હતો. નોકરી છોડ્યા બાદ તેણે પોતાનો ધંધો શરૂ કર્યો હતો. ફણીન્દ્ર તેના કામ અંગે વારંવાર ટકોર કરતો હતો જેથી આરોપીના મનમાં તેના પ્રત્યે ખૂબ જ રોષ હતો. મંગળવારે સાંજે ૪ વાગ્યાની આસપાસ ફેલિક્સ હાથમાં તલવાર અને છરી સાથે એરોનિક્સની ઓફિસમાં પ્રવેશ્યો હતો. ત્યાં તેણે ફણીન્દ્ર સુબ્રમણ્ય અને વિનુ કુમારની કરપીણ હત્યા કરી અને ત્યાંથી ભાગી ગયો હતો.