
રાજકોટની પાયલ હોસ્પિટલના CCTV હેક થવાની તપાસમાં રેલો સુરત, મહારાષ્ટ્રના લાતુર અને ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ સુધી પહોંચી ચૂક્યો છે. એવું પણ માનવામાં આવે છે કે એના તાર વિદેશ સુધી પણ ફેલાયા છે. હવે આ પ્રકરણમાં એક મોટો ઘટસ્ફોટ થયો છે.
રૂપિયા કમાવવાની લાયમાં આ ટોળકીએ બેડરૂમના CCTV પણ બાકી નથી રાખ્યા. તેમણે માત્ર લોકોના બેડરૂમના CCTVના ફૂટેજ જ રેકોર્ડ કરીને નથી વેચ્યા, પરંતુ રૂપિયા લઈને કોઈપણ વ્યક્તિના બેડરૂમના CCTV ફૂટેજનું લાઇવ એક્સેસ આપી દેતા હતા. અસંખ્ય લોકોએ રૂપિયા આપીને આવા ફૂટેજ ખરીદ્યા પણ છે.
અમદાવાદ સાયબર ક્રાઇમનાં વિશ્વસનીય સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે, હોસ્પિટલ, સિનેમાહોલ, જિમ, સ્વિમિંગ પૂલના CCTV હેક કરવા અને વેચવા એ આરોપીઓ માટે ખૂબ જ સામાન્ય કૃત્ય બની ગયું હતું, પણ સૌથી વધુ કમાણી બેડરૂમના લાઇવ CCTVનું એક્સેસ આપીને કરવામાં આવતી હતી.
આરોપીઓએ દેશભરના ઘણા લોકોના ઘરની અંદર લાગેલા CCTV કેમેરા હેક કરી લીધા હતા. ચિંતાની વાત એ પણ છે કે કેટલા ઘરના CCTV આરોપીઓના નિશાને આવી ગયા હતા એનો ચોક્કસ આંકડો હજુ સુધી જાણી શકાયો નથી. આ દિશામાં તપાસ ચાલી રહી છે.
સુરક્ષાના કારણે જે લોકોએ પોતાના ઘરની અંદર CCTV કેમેરા લગાવ્યા હતા એ જ કેમેરા તેમની પ્રાઇવેસી ભંગ થવાના અને અંગત પ્રવૃત્તિ જગજાહેર થવા માટેનું ટૂલ બન્યા.
અત્યારસુધીમાં થયેલા ઘટસ્ફોટ પ્રમાણે, છ પ્રકારના CCTV ખૂબ વધારે પ્રમાણમાં વેચાતા હતા.
- બેડરૂમ
- સિનેમા હોલ
- હોસ્પિટલ
- જિમ
- સ્પા
- સ્વિમિંગ પૂલ
આ છ પ્રકારના CCTV ફૂટેજ વેચવાના કૃત્યમાં સૌથી ચિંતાજનક અને ચોંકાવનારી વાત બેડરૂમના સીસીટીવીની છે. હેકર્સ કુલ 8 સ્ટેપમાં આ નેટવર્ક ચલાવતા અને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા હતા.
પ્રોક્સી નેટવર્કના કારણે તપાસ એજન્સીઓ પહોંચી નથી શકતી ટેક્નિકલ રીતે હેકર્સે આવા કૃત્યમાં ખૂબ ચતુરાઈ વાપરી હતી. સીસીટીવી હેક કર્યા પછી તમામ એક્સેસ વીપીએન મારફત અપાતું હતું, એટલે પ્રોક્સી નેટવર્ક હોવાથી લોકેશન જાણી ન શકાય. આવા નેટવર્કથી અમુક નિશ્ચિત સમયમાં અલગ-અલગ દેશોમાં પોતાનું લોકેશન બતાવી શકાય, એટલે તપાસ એજન્સીઓને પણ આરોપીઓ સુધી પહોંચવામાં મુશ્કેલી પડતી હોય છે.
સાયબર ક્રાઇમનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બેડરૂમના જેટલા પણ CCTV કબજે કરવામાં આવ્યા છે એમાંના મોટા ભાગના ભારતના જ હોઈ શકે છે, પરંતુ કયા રાજ્યના છે એ જાણવા તપાસ ચાલી રહી છે.
અમદાવાદ સાયબર ક્રાઇમે જે આરોપીઓની ધરપકડ કરી છે તેમણે ઘણી બધી ટેલિગ્રામ ચેનલ બનાવીને સીસીટીવી વેચવાનું નેટવર્ક સેટ કરી દીધું હતું. તેઓ ટેલિગ્રામ ચેનલનો ઉપયોગ માત્ર ગ્રાહકો શોધવા માટે કરતા હતા. અત્યારસુધી થયેલા ઘટસ્ફોટ પ્રમાણે 22 ટેલિગ્રામ ચેનલ બનાવવામાં આવી હતી, જેની સાથે સેંકડોની સંખ્યામાં લોકો જોડાયેલા હતા. આ ટેલિગ્રામ ચેનલ પર રેટ કાર્ડ મૂકવામાં આવતાં હતાં.
રેટ કાર્ડ મુખ્યત્વે બે પ્રકારનાં હતાં
- લાઇવ સીસીટીવી ફૂટેજની અલગ કિંમત
- રેકોર્ડેડ સીસીટીવી ફૂટેજની અલગ કિંમત
અલગ-અલગ પ્રકારના ફૂટેજની કેટેગરી બનાવીને એનો ભાવ નક્કી કરવામાં આવતો હતો. ત્યાર બાદ તેનો ચેનલ નંબર, નામ અને ભાવ નક્કી કરીને રેટ કાર્ડ બનાવવામાં આવ્યાં હતાં. આ રેટ કાર્ડ જોઈને જે વ્યક્તિને રસ પડે એ પર્સનલ મેસેજ કરીને CCTV ખરીદવાનું જણાવતી હતી. આ સમયે ગ્રાહકને પેમેન્ટ કરવા માટે QR કોડ મોકલવામાં આવતો હતો. જેવું પેમેન્ટ થઈ જાય એટલે ગ્રાહકને CCTV કેમેરાના એક્સેસ માટેનું બીજું QR કોડ મોકલી દેતા હતા. આ QR કોડ સ્કેન કરતાંની સાથે જ જે-તે બેડરૂમના કેમેરાનું લાઇવ એક્સેસ મળી જતું હતું.

બેડરૂમના લાઇવ ફૂટેજનું એક્સેસ મેળવનારા લોકોની સંખ્યા ઘણી વધારે હોવાનું આરોપીઓએ તપાસ દરમિયાન જણાવ્યું છે. અમદાવાદ સાયબર ક્રાઇમની તપાસના તારણમાં ચોંકાવનારી વાત એ પણ આવી છે કે લોકો અશ્લીલ ફિલ્મ કરતાં પણ કોઈકના ઘરના લાઇવ CCTV, થિયેટર તેમજ હોસ્પિટલના ફૂટેજ જોવામાં નૈતિકતા છોડીને રસ દાખવી રહ્યા છે.
પકડાયેલા આરોપીઓએ પોલીસને જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 9 મહિનાથી આ રેકેટ ચલાવતા હતા, પરંતુ પાયલ હોસ્પિટલના CCTV ફૂટેજ લીક થયા હોવાનો મામલો ચર્ચામાં આવ્યો ત્યારે પકડાઈ જવાના ડરે આરોપીઓએ ઘણી બધી ટેલિગ્રામ ચેનલ બંધ કરી દીધી. એટલું જ નહીં, ઘણા CCTV ફૂટેજનો ડેટા પણ ડિલિટ કરી દીધો હતો.
વળી, ટેલિગ્રામમાં એવું પણ ફીચર છે, જેની સાથે ચેટ કરી હોય એના ડિવાઇસમાંથી પણ બીજી વ્યક્તિ ચેટ ડિલિટ કરી શકે છે, એટલે એકસાથે બન્ને વ્યક્તિની ચેટ ડિલિટ થઈ જાય, જેથી આરોપીઓએ તેમના ‘ગ્રાહકો’ સાથે થયેલી વાતચીત, રૂપિયાની લેતી-દેતીની વિગતો પણ ડિલિટ કરી દીધી છે, જેને રિકવર કરવા માટે તપાસ અધિકારીઓ મથી રહ્યા છે. જે લોકોએ આવા ફૂટેજ ખરીદ્યા છે અથવા એક્સેસ મેળવ્યું છે તેમને શોધવા મુશ્કેલ તો છે, પણ અશક્ય નથી.
કોઈક અજાણી વ્યક્તિના ઘર, હોસ્પિટલ, જિમ વગેરેના CCTV હેક કરવાની પદ્ધતિમાં પણ એક મોટો ઘટસ્ફોટ થયો છે. અત્યારસુધી હેકિંગના કેસની તપાસમાં જેટલી માહિતી આવી એમાં 3 CCTV કંપનીનાં નામ ખૂલ્યાં છે, જેમાં CTP પ્લસ નામની કંપની ભારતની છે, જ્યારે બે કંપનીઓ ચીનની છે. જે વિશ્વભરના 170થી વધુ દેશમાં વેપાર કરતી હોવાનો દાવો કરે છે. આ કંપનીઓનું ટર્નઓવર કરોડો રૂપિયામાં છે.
એકસરખો પાસવર્ડ રાખવામાં આવતો હતો જ્યારે આ કંપનીના CCTV કેમેરા કોઈ જગ્યાએ લગાવવામાં આવતા હતા ત્યારે એકસરખો જ પાસવર્ડ ટેક્નિશિયન કે CCTV ઇન્સ્ટોલ કરનાર દ્વારા રાખવામાં આવતો હતો. ઉદાહરણ તરીકે તમામ જગ્યાએ 2222 પાસવર્ડ હોય, એટલે આરોપીઓએ સરળતાથી ઘણા બધા CCTV હેક કરી લીધા હતા.
પાસવર્ડ ન બદલ્યો એટલે હેકર્સ બેડરૂમ સુધી પહોંચી ગયા સામાન્ય રીતે લોકો સીસીટીવીના પાસવર્ડ અમુક સમયે પોતાની રીતે રિસેટ કરતા નથી. એનો એ જ રાખે છે, જેના કારણે અજાણી જગ્યાએ બેઠેલા હેકર્સ તેમના સુધી પહોંચી ગયા અને ઘણા અંગત વીડિયો વેચીને રૂપિયા કમાઈ લીધા.
જે ઘરના CCTV ફૂટેજ હેક થયા છે એ ઉચ્ચ મધ્યમવર્ગ કે ધનાઢ્ય પરિવાર હોવાનો અંદાજ છે, જોકે તેમની ઓળખ થવી તપાસ અધિકારીઓ માટે તેમના સુધી પહોંચવાનું મુશ્કેલ છે.