હિમતનગર, સાબરકાંઠા જિલ્લાના વડાલી વિસ્તારમાં એક યુવતીની જિંદગી નર્ક સમાન બે મહિલા અને એક યુવકે કરી દીધી હોવાનુ સામે આવ્યુ છે. વડાલી પોલીસ મથકે એક યુવતીએ પોતાની વ્યથા રજૂ કરતા પોલીસ પણ આરોપી યુવક અને ૨ મહિલાઓની હરક્તથી ચોંકી ઉઠી હતી. વડાલી પોલીસે ૯ લોકો સામે ફરીયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. ઘટનાની ગંભીરતા મુજબ તુરત જ ટીમો બનાવીને આરોપીઓને ઝડપથી ઝડપી લેવા માટે ઈડર ડીવાયએસપીએ કાર્યવાહી હાથ ધરતા યુવક અને મહિલાની ધરપકડ કરી લીધી છે. તપાસની કાર્યવાહી પર સતત નજર રાખી રહેલા એસપી અને ઈડર ડીવાયએસપીએ આરોપીને ઝડપથી ઝડપી લેવા તેમજ તપાસની કાર્યવાહી તેજ કરવા માટે તજવીજ હાથ ધરી છે. વડાલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારની એક યુવતીને બ્યુટી પાર્લર સંચાલક મહિલા સાથે મળીને એક યુવકે નર્કની દુનિયામાં ધકેલી દીધી હતી. પોલીસે હવે સામુહિક દુષ્કર્મની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.
ઈડર ડીવાયએસપી સ્મિત ગોહિલે આ અંગે વિગતો મીડિયાને આપતા બતાવ્યુ હતુ કે, યુવતીની સાથે છેલ્લા કેટલાક સમયથી ફોટો વિડીયો વાયરલ કરવાની ધમકીઓ આપીને શારીરીક શોષણ કરવામાં આવી રહ્યુ હતુ. પરંતુ આખરે કંટાળીને યુવતીએ પોતાના પરિવારમાં વાત કરી હતી અને જેને લઈ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. શરુઆતમાં યુવરાજ સિંહ નામના યુવકે તેની સાથે બળજબરી પૂર્વક સંબંધ બનાવીને તેના ફોટો અને વિડીયો બનાવી લીધા હતા. જેને વાયરલ કરવાની ધમકી આપીને તે યુવતીની સાથે અવાર નવાર સંબંધો રાખતો હતો.
યુવરાજ સિંહે આયશા પઠાણ નામની એક બ્યુટી પાર્લર ચલાવતી મહિલા સાથે સંપર્ક કરાવ્યો હતો. જેણે યુવકની પાસે તેના રહેલા વિડીયો વાયરલ થઈ જવાનો ડર વધાર્યો હતો. આ દરમિયાન વધુ એક મહિલા પણ આમા સામેલ થઈ હતી અને આ ડરને વધાર્યો હતો. આગળ વાત કરતા બતાવ્યુ હતુ કે, યુવતીને વિડીયો અને ફોટાનો ડર બતાવીને તેને બાદમાં હિંમતનગર, અમદાવાદ સહિત મોટા શહેરોના પુરુષો સાથે સંબંધ બનાવવા માટે મજબૂર કરી દીધી હતી. વડાલી પોલીસે યુવતીને આવા છ જેટલા પુરુષો સાથે સંબંઘ બનાવવા માટે મજબૂર કરી હોવાનુ પ્રાથમિક વિગતમાં જાણવા મળતા આરોપી તરીકે એ તમામ છ આરોપીઓને પણ સામૂહિક દુષ્કર્મના ગુનામાં આરોપી બનાવાયા છે. પોલીસે હવે આ છ પુરુષોની પણ શોધખોળ હાથ ધરી છે.