બે મિત્રોએ મળી યુવકને ભડાકે દીધો:શિકાર બાબતે બોલાચાલી થતાં ફાયરિંગ કર્યું; પોલીસ-પરિવારને ગેરમાર્ગે દોરવા અકસ્માતની કહાણી ઘડી

માળીયા મીયાણા તાલુકાના વવાણીયા ગામના સીમ વિસ્તારમાં રોજડાનો શિકાર કરવા ગયેલા મોરબીના યુવકની તેના જ મિત્રોએ હત્યા કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આરોપીઓએ પોલીસ અને મૃતકના પરિવારને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, તપાસમાં સત્ય બહાર આવ્યું હતું. મૃતક યુવકના પિતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમનો પુત્ર વસીમ તેના મિત્રો સાથે શિકાર માટે ગયો હતો.

બનાવની વિગતો અનુસાર, આરોપી અસલમે બાવળની જાળીમાં છુપાવેલી દેશી બનાવટની બંદૂક કાઢી અને લોડ કરીને રાખી હતી. જે દરમિયાન ત્રણેય મિત્ર શિકારની રાહ જોઈ રહ્યા હતા ત્યારે, અચાનક શિકાર નજરે પડતાં કોઈ કારણોસર આ ત્રણેય મિત્રો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન આરોપી જાવેદે અસલમની બંદૂકથી વસીમ પર ફાયરિંગ કર્યું હતું. જેથી વસીમ પિલુડીયા (ઉં.38)ને ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે તેનું મૃત્યુ થયું હતું.

શરૂઆતમાં આરોપીઓએ પોલીસ અને મૃતકના પરિવારને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં તેમણે એવી વાર્તા ઘડી કાઢી હતી કે, શિકાર કરવા જતી વખતે બાઈક સ્લિપ થવાથી વસીમ બાઈક પરથી પડી ગયો હતો અને તેની પાસે રહેલી બંદૂકમાંથી અચાનક ફાયરિંગ થતાં તેને જ ગોળી વાગી ગઇ હતી. જેથી તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. જો કે, પોલીસ તપાસમાં સમગ્ર સત્ય બહાર આવી ગયું હતું.

હત્યાના આ બનાવ સંદર્ભે હાલમાં માળીયા તાલુકા પોલીસે મોરબીના મહેન્દ્રપરામાં રહેતા મૃતક યુવાનના પિતા ગુલામહુસેન પિલુડીયાની ફરિયાદના આધારે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યા સહિતની કલમ હેઠળ આરોપી અસલમ ગફુરભાઈ મોવર (રહે.વાવડી રોડ, મોરબી) અને જાવેદ ઉર્ફે જાવલો હાજીભાઈ જેડા (રહે.​​​​​​​મિયાણા) સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરી છે. આ બનાવની આગળની વધુ તપાસ માળિયા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.સી. ગોહિલ ચલાવી રહ્યા છે.