બીસીસીઆઈ ફરી માલામાલ થશે : મીડિયા રાઈટસ માટે ૧૫ લાખની રકમ ચુકવી ટેન્ડર ખરીદવાનું રહેશે

બીસીસીઆઈએ ભારતીય ટીમના આંતરરાષ્ટ્રીય અને ઘરેલું મેચો માટે મીડિયા રાઈટસનું ટેન્ડર ઈશ્યુ કર્યું છે. બોર્ડન જણાવ્યા પ્રમાણે મીડિયા રાઈટસ હાંસલ કરવા માટે દરેક કંપનીએ આઈટીટી મતલબ કે ઈન્વિટેશન ટૂ ટેન્ડર ખરીદવું અનિવાર્ય રહેશે. આઈટીટીને ખરીદ્યા બાદ જ કોઈ કંપની રાઈટસ હાંસલ કરવાનો દાવો કરી શકશે.

બીસીસીઆઈએ જણાવ્યું કે જે પણ કંપની બોર્ડના ઈન્ટરનેશનલ અને ઘરેલું મેચોના મીડિયા રાઈટસને હાંસલ કરવા માટે ઈચ્છુક છે તેણે 15 લાખની રકમ ચૂકવીને ટેન્ડર ખરીદવાનું રહેશે. આ રકમ કંપનીને પરત કરવામાં આવશે નહીં. કંપની આઈટીટીને 25 ઑગસ્ટ સુધી ખરીદી શકે છે.

આ પહેલાં વર્ષ 2018થી લઈને 2023 સુધી બીસીસીઆઈના મીડિયા રાઈટસ પર ડિઝ્ની સ્ટારનો કબજો હતો. કંપનીએ 6138 કરોડની બોલી લગાવીને રાઈટસને પાંચ વર્ષ માટે ખરીદ્યા હતા. ડીઝ્નીએ સોનીને પાછળ છોડતા મીડિયા રાઈટસને પોતાના નામે કર્યા હતા. ડીઝ્ની પહેલાં આ રાઈટસ સોની પાસે હતા જેણે બોર્ડને 6118 કરોડ ચૂકવ્યા હતા. જ્યારે સ્ટાર ઈન્ડિયાએ 3851 કરોડમાં મીડિયા રાઈટસ મેળવ્યા હતા.

તાજેતરમાં જ બીસીસીઆઈએ ભારતીય ટીમના ઘરેલું કાર્યક્રમનું એલાન કર્યું હતું જે પ્રમાણે ટીમ ઈન્ડિયા પોતાની ધરતી પર 16 આંતરરાષ્ટ્રીય મેચ રમશે. આ દરમિયાન ટીમ પાંચ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે તો ત્રણ ટી-20 મેચમાં ટીમની ટક્કર અફઘાનિસ્તાન સામે થશે. આવી જ રીતે ઑસ્ટ્રેલિયા સામે વન-ડે અને ટી-20 શ્રેણી પણ રમશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મીડિયા રાઈટસ મેળવવાની રેસમાં અમેઝોન સહિતની દિગ્ગજ કંપનીઓ રેસમાં સામેલ થઈ ગઈ છે. પાછલી વખતે બીસીસીઆઈને 6138 કરોડ રૂપિયા મળ્યા હતા ત્યારે આ વખતના મીડિયા રાઈટસના વેચાણ થકી અધધ 6500થી 70,000 કરોડ રૂપિયા મળે તેવી શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. હજુ ટેન્ડર ખરીદવાની છેલ્લી તારીખ 25 ઑગસ્ટ હોય ત્યાં સુધીમાં અનેક કંપનીઓ તેમાં ઝંપલાવે તેવી શક્યતા નકારી શકાતી નથી.