બીસીસીઆઇએ ટેન્ડરમાં ચીની કંપનીઓ પર રોક લગાડવાનાં સંદેશ આપ્યા

IPL 2024 માટે BCCI પૂરજોશમાં તૈયારીઓ કરી રહી છે. હાલમાં જ દુબઈમાં મિની ઓક્શન સમાપ્ત થયાં. હવે BCCIએ વધુ એક મોટો અને મહત્વનો નિર્ણય લીધો છે. આઈપીએલ 2024નાં ટાઈટલ સ્પોન્સરની શોધ થઈ રહી છે જે માટે ચીની સ્પોન્સરશિપ પર બેન લગાડવાની તૈયારીઓ દેખાઈ રહી છે. ચીન અને ભારતનાં હાલનાં સંબંધોને ધ્યાનમાં રાખતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

ક્રિકબઝની એક રિપોર્ટ અનુસાર BCCIએ IPLનાં ટાઈટલની સ્પોનસરશિપ માટે જે ટેંડર બહાર પાડ્યું છે તેમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે જે દેશોનાં ભારત સાથે મૈત્રીપૂર્ણ સંબંધ નથી તેમને આ ટેન્ડરમાં કોઈ મહત્વ આપવામાં આવશે નહીં. ટાઈટલ સ્પોન્સરશિપ માટેની બેઝ પ્રાઈઝ 360 કરોડ રૂપિયા પ્રતિવર્ષ છે આ બાદ બોલીનાં આધાર પર ટેન્ડર આપવામાં આવે છે. પહેલા ચીની ફોન કંપની VIVO આઈપીએલનું ટાઈટલ સ્પોન્સર કરી ચૂક્યું છે પણ વર્ષ 2020માં ભારત-ચીન બોર્ડર પરની સ્થિતિ બગડચાં BCCIએ વીવોને હટાવવાનો નિર્ણય લીધો અને ટાટા ટાઈટલ સ્પોન્સરનાં રૂપમાં આગળ આવી હતી.

હવે BCCIએ પોતાના ટેન્ડરમાં લખ્યું કે કોઈપણ બિડરનો એવા કોઈ દેશ સાથે સંબંધ ન હોવો જોઈએ જેનાં ભારત સાથે સારા સંબંધ નથી. જો કોઈ એવો બિડર સામે આવે છે તો તેણે બોર્ડને પોતાના શેરહોલ્ડર સાથે જોડાયેલી તમામ જાણકારી આપવી પડશે અને એ બાદ જ બિડ પર કોઈ પ્રકારનો નિર્ણય લેવામાં આવશે. એટલું જ નહીં બોર્ડ દ્વારા ફેન્ટસી ગેમ, ક્રિપ્ટોકરેંસી અને સટ્ટાબાજી સાથે જોડાયેલી કંપનીઓ પર પણ રોક લગાડવામાં આવી છે. ઉપરાંત જે કંપનીઓ મેચનાં કપડાં બનાવવામાં એક્ટિવ છે તે પણ ટાઈટલ સ્પોન્સરશિપ માટે બિડ નહીં કરી શકે. 

ટાઈટલ સ્પોન્સરશિપનો કોન્ટ્રેક્ટ પાંચ વર્ષ માટે તૈયાર થશે. એટલે કે આ સ્પોન્સરશિપ કોન્ટ્રેક્ટ 2024થી લઈને 2029 સુધીનો રહેશે.