બીબીસી ડોક્યુમેન્ટ્રી વિવાદ મામલે કડક કાર્યવાહી, ડીયુના ૨ વિદ્યાર્થીઓ પર એક વર્ષનો પ્રતિબંધ

નવીદિલ્હી,

દિલ્હી યુનિવર્સિટી કેમ્પસમાં બીબીસીની વિવાદિત ડોક્યુમેન્ટ્રી બતાવવા મામલે દિલ્હી યુનિવર્સિટી(ડીયુ) એ નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયાના રાષ્ટ્રીય સચિવ અને અન્ય એક વિદ્યાર્થી પર એક વર્ષનો પ્રતિબંધ મૂકી દીધો છે. માહિતી અનુસાર ડીયુ તંત્ર વતી બે વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ મૂકાયો છે અને ૬ વિદ્યાર્થીઓને માફી માગવા કહેવાયું છે.

જોકે હજુ પણ આ મામલે તપાસ ચાલી રહી છે અને જલદી જ હજુ કેટલાક વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે. જ્યારે જે બે વિદ્યાર્થીઓ પર એક વર્ષનો પ્રતિબંધ મૂકાયો છે તેમાં માનવશા વિભાગમાં પીએચડી રિસર્ચર લોકેશ ચુગ અને કાયદા વિભાગનો વિદ્યાર્થી રવીન્દ્ર સામેલ છે. આ બંને વિદ્યાર્થી યુનિવર્સિટી, કોલેજ કે વિભાગની કોઈ પરીક્ષા નહીં આપી શકે.

આ મામલે એનએસયુઆઈના રાષ્ટ્રીય સચિવ લોકેશ ચુગે કહ્યું કે મેં બીબીસીની વિવાદિત ડોક્યુમેન્ટ્રીની સ્ક્રીનિંગનું આયોજન નહોતું કર્યું. ફક્ત મીડિયામાં એનએસયુઆઈનો પક્ષ રજૂ કર્યો હતો. સ્ક્રીનિંગ કરનારાની પોલીસે ધરપકડ કરી લીધી હતી. એ લોકોમાં હું સામેલ નહોતો અને મને પોલીસ સ્ટેશને પણ લઈ જવાયો નહોતો તો પછી મારી સામે આ કાર્યવાહી કેમ કરાઈ છે? તેણે એવો પણ સવાલ કર્યો કે આ મામલો હાલ સુપ્રીમકોર્ટમાં લંબિત છે તો આ કાર્યવાહી કયા કાયદા હેઠળ કરાઈ છે? શું વિચાર અને અભિવ્યક્તિની આઝાદીનો ઉપયોગ કરવો કાયદા હેઠળ ગુનો છે?