ભારત અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી)ના સુકાની વિરાટ કોહલીએ કોરોના વાઇરસની મહામારીની વચ્ચે ક્રિકેટ રમવાના મહત્ત્વને ગંભીરતાથી લીધું છે અને તેની ઇચ્છા છે કે આઇપીએલમાં રમનારા તમામ ખેલાડી તથા અન્ય સભ્યો ટૂર્નામેન્ટના બાયો-બબલ સિક્યોર સિસ્ટમનું તમામ રીતે સન્માન કરે. કોહલીએ જણાવ્યું હતું કે હું સતત ૧૦ વર્ષથી રમી રહ્યો હોવાના કારણે લોકડાઉન દરમિયાન મને રમતની ખોટ પડી નહોતી. ૧૯મી સપ્ટેમ્બરથી રમાનારી આઇપીએલ પહેલાં કોહલીએ બાયો-બબલ અંગે આઠ દિવસના સપ્તાહમાં બીજી વખત સાથી ખેલાડીઓને ચેતવણી આપીને જણાવ્યું હતું કે અમે અહીં ક્રિકેટ રમવા માટે આવ્યા છીએ, ટૂર્નામેન્ટ દરમિયાન પ્રત્યેક સમયે બાયો-બબલ સિસ્ટમનો ચુસ્ત રીતે અમલ કરવો જરૂરી છે. અમે અહીં મસ્તી કરવા કે અહીં ફરવા માટે આવ્યા નથી. અત્યારે આપણે તમામ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ.
કોહલીએ જણાવ્યું હતું કે આઇપીએલમાં રમવાની જે તક મળી છે તેનું મહત્ત્વ સમજવાની જરૂર છે. પરિસ્થિતિ બગડી જાય તેવો કોઈએ વ્યવહાર કરવો જોઈએ નહીં. પ્રેક્ષકો વિના શરૂઆતમાં રમવું થોડુંક અલગ લાગશે પરંતુ ખેલાડીઓ જલદીથી પરિસ્થિતિ સાથે તાલમેલ બેસાડી દેશે. હું છેલ્લા ૧૦ વર્ષમાં બેટ દ્વારા બોલને ફટકરાવામાં આવતો હોય તેવો અવાજ સાંભળ્યો નથી. છેલ્લે રણજી ટ્રોફીમાં સાંભળ્યો હતો.
હેલ્થ સંબંધી પ્રોટોકોલના કારણે મેદાનમાં ઉજવણી કરવાનો પ્રકાર પણ બદલાઈ ગયો છે અને આ બાબતે કોહલીએ જણાવ્યું હતું કે કોઈની પણ પાસે આ બાબતને અપનાવ્યા વિના કોઈ વિકલ્પ નથી. તમે સ્વતંત્ર થઈને કશું નવું કરી શકતા નથી. બાળકોની જેમ તમે વ્યવહાર કરી શકતા નથી.
કેન રિચાર્ડસનના સ્થાને ઇઝ્રમ્માં એડમ ઝમ્પાનો સમાવેશ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ઓસ્ટ્રેલિયાના પેસ બોલર કેન રિચાર્ડસનના સ્થાને તેના જ દેશના લેગ સ્પિનર એડમ ઝમ્પાનો ટીમમાં સમાવેશ કર્યો છે. રિચાર્ડસન પોતાના પ્રથમ બાળકનાં જન્મના કારણે યુએઇ ખાતે રમાનારી આઇપીએલમાં રમી શકે તેમ નથી. આરસીબીએ જણાવ્યું હતું કે અમે આરસીબીમાં ઝમ્પાનું સ્વાગત કરીએ છીએ. તે કેન રિચાર્ડસનનું સ્થાન લેશે. આરસીબી પરિવાર કેન તથા તેની પત્નીને શુભેચ્છા પાઠવે છે. અમે રિચાર્ડસનના નિર્ણયનો આદર કરીએ છીએ. ઝમ્પાના આગમનથી આરસીબીનું સ્પિન આક્રમણ વધારે મજબૂત બન્યું છે. ટીમમાં પહેલાંથી ચહલ, વોશિંગ્ટન સુંદર, મોઇન અલી તથા પવન નેગીના સ્વરૂપે સારા સ્પિનર્સ છે.
લીગ મેચો રમવા જવા માટે હવે ખેલાડીઓને ક્વોરન્ટાઇન થવું પડશે નહીં, ત્રણ સિટીમાં ૬૦ મેચો
આઇપીએલની ટીમોને હવે ટૂર્નામેન્ટ દરમિયાન દુબઇથી અબુધાબી શાહજાહ જવા માટે ક્વોરન્ટાઇન થવું પડશે નહીં. અમિરાત ક્રિકેટ બોર્ડ (ઇસીબી) સાથે સંકળાયેલા અધિકારીએ આ બાબતને સમર્થન આપ્યું હતું. ઇસીબીએ જણાવ્યું હતું કે દુબઇ, અબુધાબી તથા શારજાહમાં રમાનારી મેચો માટે તમામ પ્રકારની જરૂરી મંજૂરી મળી ગઇ છે. ખેલાડીઓ માટે સ્થાનિક સરકારની મદદથી પ્રોટોકોલ તૈયાર કરવામાં આવ્યા છે જે મુજબ ખેલાડીઓ એક કેન્દ્રથી બીજા કેન્દ્રમાં સીધા પહોંચી શકશે અને તેઓ ક્વોરન્ટાઇન થયા વિના મેચ રમી શકશે. મેચ બાદ તેઓ સીધા પોતાની હોટેલ પરત ફરશે.
લીગની તમામ ૬૦ મેચો દુબઇ, શારજાહ તથા અબુધાબી ખાતે રમાવાની છે અને ટૂર્નામેન્ટ શરૂ થવામાં હવે ત્રણ સપ્તાહ જેટલો સમય બાકી હોવા છતાં બીસીસીઆઇએ કાર્યક્રમ જાહેર કર્યો નથી. કોવિડ-૧૯ના સૌથી વધારે મામલા અબુધાબીમાં છે અને દુબઇ-અબુધાબીની બોર્ડર ઉપર પ્રત્યેકની તપાસ કરવામાં આવી રહી છે. આ રિપોર્ટ આવવામાં બે કલાકનો સમય લાગે છે. જો આ સ્થિતિમાં ટીમો કોઇ બીજા શહેરમાં જઇને મેચ રમવાની હોય તો ટેસ્ટના નામે આ સમય વેડફવા સમાન છે. આઇપીએલની ગર્વિંનગ કાઉન્સિલે ત્રણેય સિટીની સરકારને પ્રોટોકોલમાં છૂટછાટ આપવાની માગણી કરી હતી. આઇપીએલના પ્રથમ તબક્કાની ૨૦ મેચ દુબઇમાં રમાય તેવી સંભાવના છે.