બાવળ કાપવાની મંજુરી માટે ૮૦ હજારની લાંચ લેતા મહિલા સરપંચના પતિ સહિત ૨ ઝડપાયા

મોરબી, મોરબીમાં બાવળ કાપવાની મંજુરી માટે રૂ.૮૦,૦૦૦ ની લાંચ લેતા મોરબી તરઘરી ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિ અને ગ્રામ પંચાયત સભ્યની એસીબીએ રંગેહાથ ધરપકડ કરી હતી.

આ બનાવની વિગત મુજબ ફરિયાદી પરદેશી બાવળ કાપીને છુટક વેચાણ કરી મજુરી કરે છે. તેણે તરઘરી ગ્રામ પંચાયતની ખરાવાડ તથા ગ્રામ પંચાયતના ખરાબામાં પરદેશી બાવળ કાપવા તરઘરી ગ્રામ પંચાયતના ચુંટાયેલા સભ્ય દામજીભાઈ પી.પટેલ પાસે મંજુરી લઈ આપવા કહ્યું હતું. આથી દામજીભાઈએ મોરબી તરઘરી ગ્રામ પંચાયતના સરપંચ જ્યોતીબહેનના પતિ મુકેશ એચ.પરમાર ગ્રામ પંચાયતનો વહીવટ સંભાળતા હોવાથી તેમનો સંપર્ક કરાવ્યો હતો.

જેમાં બાવળ કાપવાની મંજુરી પેટે દામજીભાઈ અને મુકેશભાઈએ ૮૦,૦૦૦ રૂપિયાની લાંચ માંગી હતી. બીજીતરફ ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ નોંધાવતા એસીબીએ મોરબીના માળીયામી સ્થિત બાલાજી ચેમ્બર નજીક જાળ બિછાવીને બન્ને આરોપીની ધરપકડ કરી હતી.