ઉત્તરાખંડમાં આવેલા નવી ટિહરી જિલ્લાના BDO અધિકારીએ બેફામપણે કાર ચલાવતા સર્જયો મોટો અકસ્માત. જખાનીધરના BDO ડીપી ચમોલીએ નવી ટિહરીના બૌરાડીમાં ન્યૂ ટિહરી મ્યુનિસિપાલિટી રોડ પર પોતાની ઝડપભેર કારથી ૪ લોકોને ટક્કર મારી હતી. જેમાં ૨ બાળકો અને ૧ મહિલાનું મોત થયું હતું જયારે ૧ વ્યક્તિ ગંભીરપણે ઘાયલ થઈ હતી. બેફામ કાર ચલાવી લોકોને મોતને ઘાટ ઉતારનાર ડ્રાઈવર BDO ની પોલીસે ધરપકડ કરી હતી.
સોમવારે સાંજે ન્યુ ટિહરી જિલ્લા મુખ્યાલયના બૌરાડી વિસ્તારમાં એક ઝડપી કારે પગપાળા જઈ રહેલી એક મહિલા અને તેની બે ભત્રીજીઓને કચડી નાંખી હતી, જેના કારણે મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું અને બંને છોકરીઓનું હોસ્પિટલમાં મોત થયું હતું. આ અકસ્માતમાં અન્ય બે લોકોને પણ સામાન્ય ઈજાઓ થઈ હતી. પોલીસે આરોપી ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે.
ઘટના અનુસાર, બૌરડીની રહેવાસી મહિલા રીના નેગી (૩૬), રવિન્દર સિંહ નેગીની પત્ની, તેની બે ભત્રીજીઓ અગ્રીમા (૧૦) અને અન્વિતા (૭) સાથે સાંજે લગભગ ૭ વાગ્યે મ્યુનિસિપાલિટી ઑફિસ રોડ પર ઇવનિંગ વૉક કરી રહી હતી. ત્યારે જખાનીધરના ડેવલપમેન્ટ ઓફિસર ડીપી ચમોલી તેજ ગતિએ કાર ચલાવતા આવ્યા અને ત્રણેયને કચડી નાખ્યા. આ અકસ્માતમાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે છોકરીઓને ગંભીર રીતે ઘાયલ હાલતમાં જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ડૉક્ટરોએ પણ તેમને મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલમાં ઉમટી પડ્યા હતા.
પોલીસે આરોપી ડ્રાઈવર ડીપી ચમોલીની ધરપકડ કરી છે અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કારની વધુ ઝડપ અને ડ્રાઈવરની બેદરકારી અકસ્માતનું મુખ્ય કારણ છે. આ અકસ્માતથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. મૃતક મહિલા રીના નેગીના પતિ રવિન્દ્ર સિંહ નેગી બૌરડીમાં બિઝનેસ કરે છે, જ્યારે યુવતીના પિતા સુરેન્દ્ર સિંહ નેગી સોશિયલ ફાઈનાન્સનું કામ કરે છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે અને સ્થાનિક લોકો આ દુર્ઘટનાને લઈને ભારે દુ:ખી અને ગુસ્સે છે. ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે પરિવાર અને સ્થાનિક લોકોએ આરોપીઓને કડકમાં કડક સજા કરવાની માંગ કરી છે. પોલીસ પ્રશાસને આશ્ર્વાસન આપ્યું છે કે આ મામલાની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને દોષિતોને કડક સજા આપવામાં આવશે.