
બસ્તર,બસ્તરના દંતેવાડા જિલ્લામાં સુરક્ષાકર્મીઓ સાથેની અથડામણમાં ત્રણ નક્સલવાદીઓ માર્યા ગયા છે. છત્તીસગઢ પોલીસે રવિવારે કહ્યું કે એન્કાઉન્ટર સ્થળ પરથી મોટી માત્રામાં દારૂગોળો અને હથિયારો મળી આવ્યા છે. સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે. બસ્તર રેન્જના પોલીસ મહાનિરીક્ષક સુંદરરાજ પી.એ જણાવ્યું હતું કે આ એન્કાઉન્ટર કાટેકલ્યાણ પોલીસ સ્ટેશન વિસ્તારના ડબ્બકુન્ના ગામ પાસે એક ટેકરી પર થયું હતું. ઘટનાસ્થળેથી ‘યુનિફોર્મ’ પહેરેલા ત્રણ પુરુષ નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે.
પોલીસ મહાનિરીક્ષક (બસ્તર રેન્જ) સુંદરરાજ પીએ જણાવ્યું હતું કે રવિવારે બપોરે સુરક્ષાકર્મીઓની સંયુક્ત ટીમ નક્સલ વિરોધી અભિયાન માટે નીકળી હતી. જ્યારે સુરક્ષા દળની ટુકડી સાંજે ૫.૩૦ વાગ્યે કાટેકલ્યાણ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ડબ્બકુન્ના ગામ નજીક એક પહાડી પર પહોંચી ત્યારે માઓવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો. તેના પર ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ અને બસ્તર ફાઈટર્સના જવાનોએ ફાયરિંગ કરીને જવાબ આપ્યો.
તુમકપાલ અને ડબ્બકુન્ના વચ્ચે જંગલની ટેકરી પર થયેલા આ ફાયરિંગમાં ત્રણ નક્સલવાદીઓ માર્યા ગયા છે. આઈજીએ કહ્યું કે ગોળીબાર બંધ થયા બાદ ઘટનાસ્થળેથી ‘યુનિફોર્મ’ પહેરેલા ત્રણ પુરુષ નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા હતા. એન્કાઉન્ટર સ્થળ પરથી વિસ્ફોટક અને હથિયારોનો જથ્થો પણ મળી આવ્યો છે. પોલીસે જણાવ્યું કે માર્યા ગયેલા ત્રણ નક્સલવાદીઓની ઓળખ હજુ સુધી સ્થાપિત થઈ નથી. તાજેતરમાં રાજ્યના બીજાપુરમાં નક્સલવાદીઓ સાથે અથડામણ જોવા મળી હતી.