બાસ્કા ગામમાં સ્ક્રેપ ગોડાઉનમાં ભીષણ આગ:લાકડા અને પ્લાસ્ટિકના વિશાળ જથ્થામાં લાગેલી આગ કાબૂમાં લેવા ત્રણ ફાયર ટીમો કાર્યરત

હાલોલ તાલુકાના બાસ્કા ગામમાં આજે બપોરે એક સ્ક્રેપ ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. યાકુબભાઈના માલિકીના ખાનગી સર્વે નંબરમાં આવેલા ગોડાઉનમાં લાકડા, પ્લાસ્ટિક અને સ્પંજનો મોટો જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો હતો.

આગની જાણ થતાં જ બાસ્કાના તલાટી મનીષાબેન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ફાયર વિભાગને સૂચિત કર્યું હતું. આગની ગંભીરતાને ધ્યાનમાં લેતા હાલોલ નગરપાલિકા, કાલોલ નગરપાલિકા અને પોલીકેપ કંપનીની ફાયર ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.

ગોડાઉનમાં રહેલા જ્વલનશીલ પદાર્થોને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ત્રણ ફાયર ટીમો દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ આગની વ્યાપકતાને જોતાં વધુ ફાયર ટીમોની જરૂરિયાત ઊભી થઈ છે. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.