મથુરા,
ભારતમાં આ વર્ષ હોળી ૭ માર્ચે અને ધૂળેટી ૮ માર્ચના રોજ ઉજવવામાં આવશે. પણ તે પહેલા કૃષ્ણ અને રાધાની જન્મભૂમિ પર હોળીની ઊજવણી શરુ થઈ ગઈ છે. હોળી પહેલા જ ગોકુલ, મથુરા, વૃંદાવન અને બરસાનામાં રોનક જોવા મળી હતી આજે બરસાનાના લાડલીજી મંદિરમાં વિશ્ર્વ પ્રસિદ્ધા લડ્ડૂ હોળી રમવામાં આવી હતી. આ ઉત્સવને જોવા માટે દેશ-વિદેશથી લોકો આવ્યા હતાં અનેક વિદેશી લોકો આવી હોળીની ઉજવણીમાં સામેલ થયા હતાં
ફાગણ માસની શુક્લ પક્ષની અષ્ટમી તિથિએ બરસાનાના લાડલીજી મંદિરમાં લાડુ હોળી રમવાની પરંપરા છે.આ દિવસે રાધારાણીનું મંદિર ભક્તોથી ભરેલું હોય છે. આ હોળીના દર્શન માટે દૂર-દૂરથી ભક્તો આવે છે. રાધા રાણીના ભક્તો આખા વર્ષ દરમિયાન આ દિવસની રાહ જોતા હોય છે. આ પ્રસંગે દરેક ભક્તને પ્રસાદ તરીકે લાડુ આપવામાં આવે છે.
લાડુ હોળી સાથે જોડાયેલી ઘણી માન્યતાઓ છે. આ પરંપરાની એક માન્યતા એવી છે કે જ્યારે શ્રી કૃષ્ણ નંદગાંવમાં રહેતા હતા, તે સમયે બરસાનાથી એક ગોપી હોળી રમવાનું આમંત્રણ લઈને નંદગાંવ આવી હતી, નંદ બાબાએ આ આમંત્રણ સ્વીકાર્યું હતું. આ સંદેશ લઈને, તેણે તેના પૂજારીને બરસાના મોકલ્યો, જ્યાં રાધાજીના પિતા વૃષભાનુએ પૂજારીને લાડુ ખવડાવ્યા. જ્યારે ગોપીઓએ પૂજારી પર રંગ વરસાવવાનું શરૂ કર્યું, ત્યારે તેઓ તેમના પર લાડુ ફેંકવા લાગ્યા. ત્યારથી તે એક પરંપરા બની ગઈ જેનું પાલન આજે પણ કરવામાં આવે છે. અને લોકો હર્ષો ઉલ્લાસથી આ પરંપરા નીભાવે છે.
પરંપરા મુજબ ફાગણ શુક્લ અષ્ટમી તિથિ પર, હોળી રમવાનું આમંત્રણ બરસાના ગામથી નંદગાંવ સુધી પહોંચાડવામાં આવે છે. તે જ દિવસે નંદગાંવથી એક પૂજારી ફાગ આમંત્રણ સ્વીકારવાનો સંદેશ લઈને બરસાના આવે છે. આ પ્રસંગે લાડલીજીના મંદિરમાં ઉત્સવ ઉજવવામાં આવે છે અને લાડુ ખવડાવીને પૂજારીનું મોં મીઠુ કરવામાં આવે છે. આ પછી હોળીના તહેવારની શરૂઆત રંગો સાથે થાય છે. આ જોઈને લોકો એકબીજા પર લાડુ ફેંકવા લાગે છે અને આ રીતે લાડુની હોળી રમવામાં આવે છે.